યોગેશ જોષી ~ સોળમું બેઠું * Yogesh Joshi

આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…

~ યોગેશ જોષી

કવિએ અહી ષોડશીના હૃદયમાં ઉઠતા ભાવોનું ગીત રચી આપ્યું છે. આવી છોકરીને આભ આખું પોતાની છાતીમાં સમાઈ જતું લાગે કે સાતે દરિયા પોતાની અંદર ઉછળતા લાગે. અરે ચાંદો ને સૂરજ પણ પોતાના હાથમાં જ હોય એવું લાગે એમાં કંઇ જ અતિશયોક્તિ નથી. સોળ વરસની મુગ્ધાના શમણાં જ એવાં હોય કે એને માટે આવી બાબત સાવ સહજ છે.

હૈયાની ધરતી જ્યારે પોચી પોચી સુંવાળી ને ભીની ભીની થઇ જાય ત્યારે એમાં કશુંક ઊગે… ‘આજ મારામાં ઘાસ જેવું કૈં ફૂટતું રે લોલ’ અને આગળ કવિ કહે છે, કોણ મારામાં ફૂલ જેવું કૈં ચુંટતું રે લોલ ? છાતીમાં ફૂલ તો ખીલ્યાં જ છે અને એને કોઇ અદીઠ વ્હાલમ આવીને ચૂંટે છે.. પોતાના સાતે રંગોથી હૈયાને ભરવા માટે મેઘધનુષ પણ એની પણછ ખેંચી હૈયામાં પેસી જાય છે.

આ એ ઉંમર છે જ્યારે અંગેઅંગમાં આગ પણ લાગે ને ધબકારામાં અષાઢી મેઘ વરસે.. સોળમું વરસ એક જુવાન છોકરીમાં એવું હાઉક કરીને પ્રવેશી જાય છે કે કઈ ક્ષણ હસવાની કે કઈ ક્ષણ રડવાની એ સમજાય નહીં ને મન આકળવિકળ થયા કરે.

ષોડશીના મુગ્ધભાવના ઘણાં ગીતો લખાયાં છે. વિનોદ જોશી, હરિશ્ચંદ્ર જોશી, રમેશ પારેખ, અનિલ જોશી.. અને બીજાં પણ ઘણાં… આ વિષય જ એવો છે કે વારી જવાનું મન થાય. છોકરીઓને જ શા માટે ? આ વયના કિશોરોની પણ આ જ હાલત નથી હોતી ? અંગેઅંગમાં કોઇ અદીઠ તલસાટ જાગ્યો હોય ને મન પતંગિયાની જેમ ઉડાઉડ કરતું હોય !! ગામને પાદર કે કૂવા કાંઠે આંટાફેરા વધી ગયા હોય.. શહેરોમા સ્થળ બદલાય પણ ભાવ તો  એ જ ને !!

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  91 > 18 જુન 2013 (ટૂંકાવીને)

3 Responses

  1. સરસ રચના ખુબ ગમી ષોડશી ની ઉર્મી ની સુંદર રજુઆત અભિનંદન

  2. શ્વેતા તલાટી says:

    સરસ ગીત ..

  3. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ સોળમું બેસતાં થતો આનંદ અને અમુઝણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: