પ્રદીપ ખાંડવાળા ~ સમુદ્રાનુભૂતિ ~ KS 442 : લતા હિરાણી* Pradip Khandawalla * Lata Hirani  

સમુદ્રાનુભૂતિ

ખેલના આ વિશાળ મેદાન પર

મોજાં કઈ રમત રમવી

એની મસલત કરી રહ્યાં છે!

કવિ પ્રદીપ ખાંડવાલાને કુદરતને અનુભવતાં, પ્રકૃતિને પહેચાનતાં…. જે સંવેદનાઓ પ્રગટી…. એ શબ્દબદ્ધ થતાં એક સંપુટ રચાય છે. આ સાગરકાવ્યોમાં એક જ વિષયની જુદા જુદા કલ્પનો દ્વારા રજૂઆત, એક ચોક્કસ લય ઉત્પન્ન કરે છે. વાત સાગરની છે જેમાં લીલા માનવીની પણ છે. માનવીની પ્રવૃત્તિ સાથે, માનવીના સ્વભાવ સાથે સાગરને જોડી એનું માનવીયકરણ થયું છે, જેમ કે એક લઘુકાવ્ય! 

‘આટલું લવણજળ

એકઠું કરવા

કેટલાં રડ્યાં ?’

દરિયા જેટલી ખારાશ ભરવા માટે સમગ્ર સંસારની પીડાએ ઝંપલાવવું પડે! સમુદ્રજળ કહેવાને બદલે કવિ ‘લવણજળ’ કહે છે જે વધુ અર્થસભર બની રહે છે, તો ‘કેટલાં’ શબ્દની ક્ષિતિજ પણ કેટલી વિસ્તરે છે ! કાવ્ય બંને શબ્દોનો ધ્વનિ પ્રગટાવે છે. અતિલાઘવ અને અર્થપૂર્ણતા બંનેનો સરસ સમન્વય.

સાગરની અનુભૂતિમાં એના આંતર-બાહ્ય રૂપોનો સમાવેશ થઈ જાય છે જેમ કે ઉછળતાં ગરજતાં મોજાં, જળની ખારાશ, મત્સ્ય કન્યાઓ, સાગર પર સરતો ચંદ્ર, વિશાળ જળનું ઊંડાણ… ફીણોટાયેલા દરિયાના મોજાં પાછાં વળી રહ્યાં છે અને ત્યાં કવિ સરસ કલ્પન આપે છે.

છકેલાં ઊંડાણ

રેતીના કણોમાંથી

લથડતાં

પાછાં વળી રહ્યાં છે !

સમુદ્રનું દરેક બુંદ એના ઊંડાણ અને એની સમગ્રતાનું પ્રતિરૂપ છે. એણેય ધીમે ધીમે પાછાં તો ફરવું પડે છે…. આમ જુઓ તો એક પ્રક્રિયા દર્શાવાય છે પણ એને લાગેલાં વિશેષણો, વાતને એક વિશાળ સંદર્ભ આપે છે. માનવ માટે પણ ઊંડો સંદેશો એમાં છુપાયેલો છે. ‘છકેલા’ શબ્દ દ્વારા ‘અહમ’ આપોઆપ પ્રત્યક્ષ થતો જાય છે તો ‘લથડતાં’ શબ્દ કરૂણ અંત તરફ લઈ જાય છે. કલ્પન ઉપરાંત શબ્દોની પસંદગી પણ દાદ માંગી લે છે. વાત વ્યંજનાના સ્તરે ઉપસે છે. 

તીખા તમતમતા દરિયાને
જીભો
પૂંઠાની પ્લેટોમાં
ચાટી રહી છે!

ભેળખાઉ લોકો અથવા આવા લોકોની જીભો વડે પ્લેટોમાં દરિયાને ચાટવું… જેમાં તત્કાલીન સમય અને વાતાવરણને કવિએ કાવ્યાત્મક રીતે વણ્યાં છે.    

આ આખુંય દર્શન મુંબઈના દરિયાકાંઠે નિદ્રાહીન રાત્રિનું છે, આ વાત કવિ શરૂઆતમાં જ કહે છે. દરિયો કદી શાંત ન હોઈ શકે. મોજાંની ભરતી-ઓટ એને ગતિશીલ અને ગર્જનશીલ રાખે છે. મોજાંનો રવ દિવસમાં સંગીત લાગે તો રાત્રે એ ઘેરું રુદન પણ લાગી શકે. રાત્રિનો સમય જે શાંત હોવો જોઈએ, નિદ્રાથી ભરેલો હોવો જોઈએ એ નથી. આમ નાયકની નિદ્રાવિહીન આખી રાત અને તેય દરિયાકાંઠે ! સમુદ્ર અંગેના તમામ પીડાકારક કલ્પનોનો એમાં ઉત્તર મળી જાય છે.

પ્રકાશિત > દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27.6.23

5 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ કવિ પ્રદીપ ખાંડવાળાની રચના અને તેનો આસ્વાદ.
    અભિનંદન..

  2. રચના પણ સરસ અને આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક અભિનંદન

  3. હર્ષદ દવે says:

    કવિશ્રી પ્રદીપ ખાંડવાળાના લઘુકાવ્યો અને તેના ઉત્તમ આસ્વાદ માટે બંને સર્જકોને અભિનંદન

  4. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ કાવ્ય, અને એવો જ સરસ આસ્વાદ આપનો.

  5. Kavyavishva says:

    આભાર મેવાડાજી, હર્ષદભાઈ, છબીલભાઈ, ઉમેશભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: