નીતા રામૈયા ~ પહેલે વરસાદે * Neeta Ramaiya

પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઇ લઉં
વાદળ ને વીજના રુઆબ.

વહેલી સવારથી ઘેરાયું આભ
અને આભમાં વરતાયું
આષાઢી કહેણનું વણછુટ્યું બાણ;
ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડી,

આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ…

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં
મેઘભીનાં વેણનાં રૂમઝૂમતાં વહેણ;
ઊભા રહો તો રાજ, પૂછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;

પહેલે વરસાદે રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ………..

~ નીતા રામૈયા

વરસાદી છાંટાનો કેફ – લતા હિરાણી

વર્ષાને વધાવતું ને એના વિવિધ રંગો, અઢળક અદાઓને પોંખતું અને એની સાથે હૈયાની અંગત ગોઠડીનો કેફીલો વરતારો આપતું આ કાવ્ય. વીજ, વાદળ ને વરસાદ માનવ માટે હંમેશા અઢળક આનંદ અને વિસ્મયના વિષય રહ્યાં છે. મન ભરીને માણવા છતાં એના રુઆબ અને અસબાબના વૈવિધ્યને પામવા ભાવનાની ભરતી ઓછી પડે છે. સવાર સવારમાં આભ ઘેરાય જાય અને અષાઢી કહેણનું બાણ છૂટે ત્યારે બધું છોડીને એ સમાને માણવાનું મન થાય.

વરસાદી ભીની ભીની હવાનું ઘેન કેટલું માદક હોય છે એ પ્રેમ કરનાર અને જેનું હૈયું તરબતર જ રહે છે એ દરેક વ્યક્તિ જાણે છે…. જેમાં કેફ છે, કથન નથી. હેલે ચડેલા શ્વાસ છે, શબ્દો નથી, કાનમાં એવી વાત કરવાનું કેટલું મન છે !! આખુંયે ગીત પ્રકૃતિને બાથમાં લઇ, વ્હાલમને વ્હાલ કરતું વહ્યે જાય છે. કાવ્યનું પ્રાગટ્ય રૂડું છે અને એમાં વપરાયેલા શબ્દો, ‘મિજાજ ‘ ‘રુઆબ’, ‘બાણ’, ‘લહાણ’, ‘કેફ’ સરસ રીતે પ્રયોજાયેલાં છે. ભીની ભીની મોસમ અને ભીનાં ભીનાં હૈયાંને જોડી આપવાનું કામ આ કાવ્યમાં આબાદ રીતે સંપન્ન થયું છે.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 47 > 7 ઑગસ્ટ 2012 (લેખ ટૂંકાવીને)

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    મસ્ત મોસમનું મજેદાર ગીત અને સુંદર આસ્વાદલેખ

  2. ઉમેશ જોષી says:

    વાહ નીતાબેનની રચના.

  3. સરસ વરસાદી ગીત આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક અભિનંદન

  4. 'સાજ' મેવાડા says:

    સરસ વરસાદી ગીત, ગમ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: