શૂન્ય પાલનપુરી ~ ડગલે પગલે ભવમાં * Shoonya Palanpuri  

પડછાયો હતો

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઈની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર!    
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઈ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

~ શૂન્ય પાલનપુરી

2 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    દરેક શેર પર વાહ કહેવાય જાય એવી જોરદાર ગઝલ

  2. બધાજ શેર ખુબ ગમ્યા અભિનંદન કાવ્યવિશ્ર્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: