શૂન્ય પાલનપુરી ~  જગતનાં અંત-આદિ * Shoonya Palanpuri  

જીવન મારું મરણ મારું

જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું
હવે શું જોઈએ મારે? જીવન મારું મરણ મારું

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા
કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

કહી દો સાફ ઈશ્વરને છંછેડે નહીં મુજને
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું

કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ
નથી એ રામ કોઈમાં કરી જાયે હરણ મારું

રડું છું કેમ ફૂલો પર? હસું છું કેમ ઝાકળ પર
ચમન-ઘેલાં નહિ સમજે કદાપિ આચરણ મારું

હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાનો પરિણામે
ખસેડી તો જુઓ દ્દષ્ટિ ઉપરથી આવરણ મારું

~ શૂન્ય પાલનપુરી

2 Responses

  1. વાહ વાહ ખુબ સરસ રચના

  2. 'સાજ' મેવાડા says:

    Big Bang ની યાદ આવી ગઈ. “અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
    નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: