સુરેશ દલાલ ~ આપણી વચ્ચે Suresh Dalal
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
સમજું છું એથી તો જોને ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું ઘોર અંધારી રાત કરું છું
વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
હવે વિસામો લેવાનો પણ થાક ચડ્યો છે
આપણો આ સંબંધ આપણને ખૂબ નડ્યો છે
આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
~ સુરેશ દલાલ
દિગ્ગજ કવિ શ્રી ની ખુબ સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન
કવિ સુ. દ. એ ગીતો સરસ રચ્યાં છે, આ ગીત ગમ્યું. ગઝલ ખાસ લખી નથી.