એષા દાદાવાળા ~ રાંધતા આવડે? Esha Dadawala
તને રાંધતા આવડે?
મેં હા પાડી
કઈ ડીશ સારી બનાવી શકે?
મેં એનો પણ જવાબ આપ્યો
ફિલ્મો જોવાની ગમે?
મેં ફરી હા પાડી
પછી તો પ્રશ્નોનો રીતસરનો મારો શરૂ થયો
ક્યો હીરો બહુ ગમે, શું ભાવે, ક્યાં ફરવાનું ગમે?
ધીમે ધીમે હું બધા જ પ્રશ્નોના
જવાબો આપતી ગઇ.. !
પછી થોડી ઘણી વાતો પણ કરી
ભવિષ્યનાં આયોજન માટેની – ગમતી ફિલ્મોની
સ્ટાઇલ ઓફ લિવિંગની – મિત્રોની
પણ
ઊભાં થતી વખતે
’ચાર દિવાલોમાંથી ઘર બનાવવાનો’
ઉલ્લેખ
ન તો એણે કર્યો
ન તો હું કશું બોલી…!
~ એષા દાદાવાળા
એષા દાદાવાળાની ગદ્યકવિતા હંમેશા મનમાં એક જુદી જ અસર છોડી જાય છે. જીવનમાં કે આસપાસ કંઈક તીવ્રતાથી અનુભવાયું છે, એટલી તીવ્રતાથી કે એને અભિવ્યકત કરવું અનિવાર્ય બની જાય.. આમ તો આ તણખો કલાના પ્રત્યેક ક્ષેત્રને આવરી લે.. સૌ કોઈ રોજેરોજ ચારેબાજુ જોતા હોય, અનુભવતા હોય. જે તદ્દન સ્વાભાવિક મનાતી હોય એવી બાબતની જડતા પ્રત્યે એક સંવેદનશીલ મનની આ પ્રતિક્રિયા છે. અહીં સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ નથી. વ્યાપક સ્થૂળમાં વણાયેલા વિકટ સૂક્ષ્મનું દર્શન છે ને એની ગુંગળાવી દેતી પીડા છે..એક જુદો પ્રવાહ છે !!
યુવક-યુવતીની મુલાકાતમાં ઘણા પ્રશ્નો, સીધા પ્રશ્નો છે, ખાસ કંઈ વિચારવું ન પડે, પરંપરાથી પૂછાતા આવ્યા હોય એવાં બીબાંઢાળ પ્રશ્નોની રફતાર છે. સવાલોના ચોરસ ખડકાતાં જાય છે. આ પ્રશ્નો તદ્દન બાહ્ય જિંદગી પરત્વેના છે, એટલા તો ઉપલક છે કે સામે પોતાના તરફથી કશું પણ પૂછવાની ઇચ્છા મરી જાય !! આંતરવિશ્વમાં પ્રવેશવાની ન તો ત્યાં કોઇ ગુંજાઇશ છે કે ન કોઇ દૃષ્ટિ !!
‘ચાર દિવાલોમાંથી ઘર બનાવવાનો” / ઉલ્લેખ / ન તો એણે કર્યો / ન તો હું કશું બોલી…! …
કાવ્ય અહીં એની ઊંચાઇ પ્રાપ્ત કરે છે, ગરિમાનો મહિમા ભાવકના ચિત્તમાં છવાઇ જાય છે. ‘કશું નહીં બોલીને’ વ્યક્ત થતો, પિડતો અને વલોવતો મૌન પ્રતિભાવ સંવેદનશીલ માનવીને સવાલોના સાગરમાં ડૂબાડી દે છે. આ મુલાકાત માત્ર લગ્નોત્સુક યુવાન-યુવતી માટે જ નથી. ચુપકીદીની ચુભતી પ્રતિક્રિયા, માત્ર સવાલો પૂછતા યુવાન પ્રત્યે નથી…. છીછરી અને સમજણ વગરની, એક ટેવ તરીકે જીવાયે જતી તમામ જિંદગીઓ પ્રત્યે છે…. પ્રેમ અને હૂંફ વગરના એવા તમામ દામ્પત્ય પ્રત્યે છે જ્યાં રોજેરોજ જડપણે ચણાતી ભીંતોના ચોરસ ઓગળતા નથી અને ઘરનું સાર્થક્ય અનુભવાતું નથી. ચાર ફેરા ફરી લેવાથી કે સંસાર માંડી સંતાનો વડે વંશને વધારવાથી ઓછો જ એકમેકનો સાથ અનુભવાય છે? ચાર દિવાલ અને ઘર વચ્ચેનો તફાવત ક્યારેક આખી જિંદગી સાથે જીવી નાખતા પતિ-પત્નીનેય નથી સમજાયો હોતો!!
ચીલાચાલુ વાતચીત પછી છેલ્લે કાવ્યાત્મક સ્પર્શ આપીને એષા ચમત્કૃતિ સાધે છે. સુંદર.
ખુબ વેધક છતા ખુબ સરળતાથી સાંપ્રત બિબાઢાળ ઘરેડ ની વાત કાવ્ય મા આસાની થી કરવામાં આવી છે ખુબ ખુબ અભિનંદન
🪷👍
સુંદર
ગદ્યકાવ્ય દ્વારા એષાએ ઉદ્દેશ્ય ને સુપેરે પાર પાડ્યો છે. અભિનંદન.
લતાબહેને વિસ્તારથી અર્થ ઉઘાડી આપ્યો છે.
આભાર મીનલબેન
કવયત્રી એષા દાદાવાલાની અછાંદસ રચનાઓ સ્રીના મનોભાવો સરસ લ્યક્ત કરે છે, આ પણ એવું જ.
સરસ રચના 👌🏽👌🏽👌🏽
ગણિત
ગમી