‘કાવ્યસેતુ’ 436 ~ દિલીપ જોષી Dilip Joshi * Lata Hirani
‘કાવ્યસેતુ’ દિવ્ય ભાસ્કરની મારી કોલમમાં કવિ દિલીપ જોષીની ગઝલનો આસ્વાદ. (16.5.23) ~ લતા હિરાણી
શકયતાનું સત્ય
એ જ તારી આંખ વચ્ચે પાંગરી શકતું નથી,
છે સમજનું ફૂલ ચ્હેરા પર તરી શકતું નથી.
એક પડછાયો ઉપાડી આપણે બસ દોડતાં,
કોઈ પણ તડકા વિશે વાતો કરી શકતું નથી.
આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે,
આ અષાઢી આંગણું કાં ઝરમરી શકતું નથી.
સાંજનું એકલ સરોવર શ્વાસમાં ઝરતું રહે,
કોઈ એવા દૃશ્યના ખોબા ભરી શકતું નથી. ~ દિલીપ જોશી
જીવનમાં શ્વાસો સાથે એવી કેટલીય પળો ભરેલી છે, જે શક્યતાના પડછાયા પાછળ હાંફતી હોય છે. એ સિવાય જીવન સંભવે જ નહીં! આમ જુઓ તો અસહાયતાની અનુભૂતિ આપતા આ શબ્દોમાં, જીવનને જીવન બનાવતી પળોનું આબાદ ચિત્રણ છે. એ સુખ નથી, સુખની આશા પણ નથી અને છતાંય એનાથી જ જીવન છે! વિચિત્ર ખરું પણ આ જ સત્ય છે! ‘શક્યતા’ શબ્દ જીવનમાં અશક્ય નથી પણ ક્યારેક જ મળી જાય એવો ખરો. ખાસ કરીને ઇચ્છાઓના પ્રદેશમાં લટાર મારીએ તો આ સત્ય તરત રોમેરોમ ઊગી નીકળે.
બેચેનીનાં, અજંપાના ચાર ચિત્રો, કવિએ ચાર શેરમાં કંડાર્યા છે અને એમાં કાવ્યકળા વારી જવાય એવી સર્જાઈ છે. આ બેચેની, અજંપો અદભૂત હોય છે. એનું એક શાસ્ત્ર હોય છે જે સાચો કવિ જાણે છે. એટલે જ પીડા પણ પરમાનંદ આપે એ સાહિત્યમાં જ સંભવે. ન થઈ શકવાની લાચારી લયમાં ઢળીને શબ્દોને એક નર્તન આપે, એ કાવ્યમાં જ સંભવે. અને અંતે ‘હાશ’ એમાંથી જ પ્રાપ્ત થાય.
સતત છાંયની તલાશ એ માનવીનું જીવન છે પણ તડકો એની કિસ્મત છે! વાદળ બનીને ઘેરાતી પળોની પ્રતીક્ષા કરવાની છે, એને આશાથી નિરખવાની છે; આંગણે એ ઝરમરે, એ તો ખ્વાબ છે. શબ્દો પણ કવિએ ખૂબીથી પસંદ કર્યા છે. કવિએ આકાશને અષાઢી નથી કહ્યું, અષાઢી તો આંગણું છે. ઊંડો મર્મ છે એમાં. અહીં પણ સ્વીકાર ભાવનો જ વિસ્તાર કહી શકાય. કશું આકાશમાંથી નથી ટપકવાનું! જે છે એ પોતાની પાસે છે અને એમાંથી જ જે મળશે એ મેળવવાનું છે!
દરેક શેરમાં, જે નથી થતું એની સામે કવિએ પ્રશ્નાર્થચિન્હો મૂક્યાં નથી, કે આશ્ચર્યચિન્હ પણ નહીં, અર્થાત એને નિયતિ સમજી સ્વીકારી લીધેલ છે. આ સ્વીકારભાવને પણ એક બાદશાહી કહી શકાય. રાજકોટના કવિ દિલીપ જોશીની કલમને સલામ.
વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
આભાર વારિજભાઈ.
સ..રસ ગઝલ એવો જ સરસ આસ્વાદ..
અભિનંદન..
આભાર ઉમેશભાઈ
ગઝલને સરસ રીતે એના હાર્દને પકડીને આસ્વાદ કરાવ્યો છે.આસ્વાદ માં માત્ર કવિતા કે એની પંક્તિઓ શું બોલે છે એનો અંગુલીનિર્દેશ જ કરાવવાનો હોય..બાકીનું તો ભાવકો પોતીકી રીતે સમજી જ જતા હોય છે.તમે આ બાબતમાં હરીન્દ્ર દવે અને સુરેશ જોષીની કક્ષાએ ઉત્તમ ગજાનો આસ્વાદ કરાવ્યો છે.એ માટે પુનઃ આભાર.આજકાલના સામયિકોમાં જોવા મળતા આસ્વાદ કાવ્યને ખોલવા કરતા આસ્વાદક પોતાની વિદ્વતાના બિનજરૂરી લંબાણથી કાવ્યત્વને હાનિ પહોંચાડે છે.બે પંક્તિ લઈને વિચાર વિસ્તાર કરતા હોય ત્યારે તો મૂળ અર્થ જ ભુલાઈ જાય છે.અને વાત સાવ જુદી જ દિશાએ જઈ રહી હોય છે.
આપને વંદન અને આભારી ખરી જ.
આપ બંને કાવ્ય મર્મગ્ન છો, ખૂબ અઆનંદ,લઅભનંદન.
આભાર મેવાડાજી
ખૂબ સરસ ગઝલ પસંદ કરી, આપનો આસ્વાદ સરસ ઉઘાડી આપે છે.
આભાર મેવાડાજી
દિલીપ જોશીની ગઝલ પણ સરસ અને તમારો આસ્વાદ પણ સરસ છે. એક જ બેઠકે વાંચી ગયો. આવું વાંચવું શાતા આપે છે.
આભાર શૈલેશભાઈ.
સરસ ગઝલનો સરસ આસ્વાદ…લતાબેન… આપ સમાન
.. સિદ્ધહસ્ત, તટસ્થ…. સુજ્ઞ. .. હોય પછી પરિણામ સારું જ આવે… રાજીપો
વંદન લલિતભાઈ. આભારી છું આ સરપાવ બદલ
વાહ ખુબ સરસ રચના અને અેટલોજ સરસ આસ્વાદ અભિનંદન લતાબેન
આભાર છબીલભાઈ.
ગઝલ અર્થઘન અને શેરમાં શેરીયત. તમારો આસ્વાદલેખ પણ ખૂબ સુંદર છે.
આભાર હરીશભાઈ
વાહ..
સુંદર આસ્વાદ..
‘સ્વીકારભાવની બાદશાહી’ બહુ જ સરસ.
આભાર ભાવેશભાઈ
રચના અને આસ્વાદ બંને ખૂબ સરસ 🙏
આભાર સરલાબેન
શ્રી દિલીપ જોષીની એક સુંદર ગઝલ,પડછાયો ઉપાડી દોડવું એ સુંદર રીતે ગઝલમાં ઊતરી આવ્યું છે ખૂબ સરસ્્્્્તથા આપનું ગઝલ પરનું વિશ્લેષણ પણ તલસ્પર્શી…
આભાર સુરેશભાઈ