મણિલાલ હ. પટેલ – વાદળ પહેરી * Manilal H Patel

વાદળ પહેરી પહાડો ઊભા જળ પહેરીને ઝાડ
દૂર મલકનાં જળ સંદેશા ઝીલ્યા કરતાં તાડ .

પછીત સુધી પાણી આવ્યાં ઉંબર સુધી ઘાસ
ઘર આખામાં ફરી વળી છે અંધકારની વાસ.

શૃંગે શૃંગે વાદળ બેઠાં ખીણોમાં રોમાંચ
વૃક્ષ વેલને ચહેરે ચહેરે ચોમાસું તું વાંચ.

‘નવવધૂની આંગળીઓ શી’ ફરી રહી તરફેણ
ખેડાતાં ખેતરને નીરખે ઘીની ધારે નેણ.

અવાવરુ ખૂણામાં સૂતો આળસ મરડે કાળ
જળની ધારે ધારે ઊતરે પગલાં પોતે ઢાળ .

દેવશિશુની આંખો જેવાં જળફોરાં વિસ્મિત
ચંપાના ફૂલોમાં પ્રગટ્યું જળનું અક્ષત સ્મિત.

પલળે શેરી, સીમ ખેતરો પલળે પળની પાળ
હંસ પલળતો આવ્યો લાવ્યો દમયંતીની ભાળ.

માગ માગ તું જળની સાખે ઝળહળ જળને માગ
જળ અકળને જાણી લે તું જળ સકલને તાગ.

~ મણિલાલ હ. પટેલ

પ્રકૃતિકાવ્યો અને ગ્રામજગતને નિરૂપતા ઘણાં સુંદર કાવ્યો આ કવિએ આપેલા છે.  કવિ મણિલાલ હ. પટેલને 1994-95નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા 2007માં ધનજી કાનજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે.

1.‘પદ્મ વિનાના દેશમાં’  2. ‘સાતમી ઋતુ’ 3. ‘ડુંગર કોરી ઘર કર્યા’ 4. ‘પતઝડ’ (હિન્દી) 5. ‘વિચ્છેદ’ 6. ‘સીમાડે ઊગેલું ઝાડવું’ 7. ‘માટી અને મેઘ’ કવિના કાવ્યસંગ્રહો છે.  અને ‘ગામ જવાની હઠ છોડી દે’ સંપાદન છે.   

9.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: