કૃષ્ણ દવે ~ કવિ અને કોરોના ! * Krushna Dave
દુનિયા આખી ચડી વિચારે માથા ફૂટશે કોના ?
એક દેહમાં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
કવિ કહે કે ભઈલા તું તો આજકાલનો આવ્યો
કોરોના ક્યે તોય વર્લ્ડમાં હું જ વધારે ફાવ્યો
મારા ઉપર નથી ચાલતા કોઈના જાદુ ટોના
એક દેહમાં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
ગીત ગઝલનો ફકત કવિ છું એવું તું ના ધારીશ
પાંચ સર્ગનું સંસ્કૃત તત્સમ્ હું લમણે ફટકારીશ
પડ્યુ કાનમાં જેની એ જણ સાંભળવા’ય ઉઠ્યો ના
એક દેહ માં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
એક વાત તો નક્કી આપણ બન્ને છીએ ચેપી
તને મળે તે થાય દુખી ને મને મળે તે હેપ્પી
પ્રેમ નામની વેક્સિન શોધી સૌને પીવડાવો ના
એક દેહ માં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
– કૃષ્ણ દવે
OP 16.12.2020
પ્રતિભાવો