જુગલકિશોર વ્યાસ ~ જોગસંજોગ
(છંદઃ અનુષ્ટુપ, મંદાક્રાંતા)
કર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે ડાકલાં કાળનાં બજ્યાં,
કોરોના આવતાં સૌએ ધંધાધાપા બધા ત્યજ્યા.
એ.સી.ની પાંખમાં પેસી ટીવીચેનલ જૈ ચડ્યા –
પટારે જેમને પૈસા સંતાઈ રે’લા પડ્યા.
દુકાનો, ઓફીસો, સૌએ બારણાં બંધ જ્યાં કર્યાં,
ઘરની ચાર દીવાલે સાંકડમોકડે ઠર્યાં!
રોજીંદો રોટલો જેનો, ટેકો લૈ ગઈ તાવડી;
ભાણામાં મુકવું ક્યાંથી, મુંઝાણી ઘરમાવડી.
ઉછીનાપાછીના લૈને સપ્તાહો, મહીના વીતે,
દયાનું, ભીખનું લેવા લંબાય હાથ શી રીતે?
પેટનો પુરવા ખાડો, બાળુડાંને જીવાડવા,
ઈશ્વરે દીધ સંજોગો ધીરે, ભારે વીતાડવા.
“કર્મો કેરું ફળ મળ્યું તને” વાત સાચી નકી છે –
કીંતુ તારાં નહીં, અવરનાં કોઈ કર્મો થકી છે!
– જુગલકિશોર જે. વ્યાસ
સૌજન્ય : સાહિત્યસેતુ ઇજર્નલ
OP on 14.12.2020
પ્રતિભાવો