‘કાવ્યસેતુ’ – 434 ધીરુબહેન પટેલ Dhirubahen Patel * Lata Hirani 2.5.23

2.5.23

કાવ્યસેતુ 434 ~ ધીરુબહેન પટેલ : દિવ્ય ભાસ્કરમાં આજથી ફરી શરુ 2.5.23

મિત્રો, ખૂબ આનંદ છે કે વચ્ચે કોરોના બ્રેક પછી સપ્ટેમ્બર 2011થી ચાલતી મારી કૉલમ ‘કાવ્યસેતુ’ ફરી આજથી 2 મે 2023થી શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર સાથે મારું જોડાણ 2007થી છે.

એક વર્ષ ‘કળશ’માં લઘુકથાની કૉલમ લખી.

ત્યારબાદ ‘મધુરીમા’માં કવરસ્ટોરી લખતી.

2011થી આવી ‘કાવ્યસેતુ’ તે છેક 2021 સુધી સરસ રીતે ચાલી.

‘કાવ્યસેતુ’માં બ્રેક આવ્યો તો દિવ્ય ભાસ્કર ડિજિટલમાં ‘મારી વાર્તા’ વિભાગનું સંપાદન સોંપાયું.

એક વર્ષ એ કામ આનંદથી કર્યું અને હવે ફરી ‘કાવ્યસેતુ’ શરૂ થયાનો ઘણો આનંદ છે.

2011માં શ્રી ધીરુબહેન પટેલના કાવ્ય ‘મારો શાકભાજીવાળો’થી કાવ્યસેતુલેખન શરૂ કર્યું હતું.

કોરોનાબ્રેક પછી ફરી 2023માં પ્રિય ધીરુબહેન પટેલને વંદન સહ એમના જ કાવ્ય ‘રંગોની ધૂળેટી’થી યાત્રા આગળ ધપાવું છું.

આભાર પ્રિય દિવ્ય ભાસ્કર.  

~ લતા હિરાણી

ધીરુબહેન પટેલ – રંગોની ધૂળેટી

આજે તો મારા રસોડામાં

રંગોની ધૂળેટી છે.

રીંગણ ને મોગરી ને જાંબલી કોબીનો ઠાઠ

એની પાસે ગાજ૨ ને પાકાં લાલ ટામેટાં

અને પાછળ પાછો સરગવાની શિંગો

ભાજી અને કોથમીરનો લીલો પડદો!

આ તો મારી દૃષ્ટિને મંત્રમુગ્ધ કરે

એવી નયનરમ્ય ગોઠવણ!

હું ત્યાં ઊભી ઊભી જોતી જ રહી.

જાણે સમાધિસ્થ!

એટલામાં મને પાછળથી કોઈએ ધીરેથી પરવારી

અને મધુર અવાજે પૂછ્યું

‘આજે તું રાંધવાની જ નથી, મા?’

~ ધીરુબહેન પટેલ

‘કાવ્યસેતુ’ના ભાવકોને આ પાનાં પર ફરી મળવાનો આનંદ છે. પ્રિય ધીરુબહેન પટેલના કાવ્યથી આ કોલમની શરૂઆત થઈ હતી, ગયા મહિને જ તેમણે આપણી પાસેથી વિદાય લીધી. ફરી એમને જ વંદન સાથે.

ધીરુબહેનના કીચન પોએમ્સમાંથી આ કાવ્ય પસંદ કર્યું છે. એમાં ગઇકાલની અને આજની સ્ત્રીનું માનસ આબાદ રીતે વ્યક્ત થાય છે. રસોડું એટલે રંગોની રૂપસજ્જા. અનાજ, કઠોળ તો ખરાં જ પણ શાકભાજી અને મસાલા રસોડાની રંગત બદલી નાખે! એ રંગોને જોતાં મોંમાં સ્વાદની સેરો છૂટે એ કુદરતની જ વ્યવસ્થા હશે! આ વર્ષ ‘ઇન્ટરનેશનલ મિલેટ ઈયર’ જાહેર થયું છે ત્યારે એ જાડા ધાનના કોમળ રંગો પણ એમાં ઉમેરવાના રહ્યાં.

કાવ્યનું શીર્ષક છે ‘રંગોની ધૂળેટી’. શીર્ષક ઘણું સૂચવી જાય છે. આ કોઈ રસોડામાં ભરાઈ રહીને રાંધવામાં જન્મારો પૂરો કરનારી સ્ત્રી નથી. આવી સ્ત્રીનાં બની શકે કે કપડામાં મરચાં-હળદરના ડાઘ હોય! પણ એને ભાજીની લીલાશ આંખોમાં ભરવાની કે ટમેટાંના લાલ કલરથી પ્રસન્ન થવાનો સમય ક્યાંથી હોય! એક સમય હતો કે જ્યારે સ્ત્રીઓ માટે રસોડું એક જેલ બની રહેતું. અલબત્ત એને પોતાનેય ખ્યાલ ન રહેતો કે પોતે જેલમાં છે, એ જુદી વાત થઈ.

હવે આ યુગની સ્ત્રીનાં વિચારો જુદાં છે. રંગો હવે એની જિંદગીના ભાગ બની ગયાં છે. બ્લેક એન્ડ વ્હાઇટ સમયની સુરંગ એણે પસાર કરી લીધી છે. હવે એ રસોડાનાં શાકભાજીના રંગોમાં ધૂળેટી મનાવી શકે છે. આંખોને આનંદ આપવાની એની મરજી પર એ મુસ્તાક રહી શકે છે. રસોડું એનાં માટે ઉત્સવ બની શકે છે. રાંધવું કે ન રાંધવું એ એની ચોઈસ છે. એટલું જ નહીં, એની દીકરી પણ આ સત્યોત્સવથી અજાણ નથી. મમ્મીની ખુશીને એ અનુભવી શકે છે અને પૂછે છે ‘મા, આજે તું રાંધવાની છે કે નહીં!…. સાચે જ ગૃહિણીના ગાલોમાં રંગરંગીન  ગુલાબ ખીલી ગયાં છે!     

10 Responses

  1. દિલીપ જોશી says:

    કાવ્યસેતુ પુનઃ શરૂ થયું એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. જય હો.

  2. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    ખૂબ ખૂબ અભિનંદન બેન……

  3. ખુબ ખુબ અભિનંદન લતાબેન આપ સાહિત્ય ક્ષેત્રે અવનવા સોપાનો સર કરો તેવી શુભકામના

  4. 'સાજ' મેવાડા says:

    ખૂબ આનંદની વાત છે કે આપની સબળ કલમને, ‘કાવ્યસેતુ’ દ્વારા દિવ્ય ભાસ્કર જેવા સાહિત્ય પ્રેમી દૈનિકનો સાથ મળી રહ્યો છે. ખૂબ અભિનંદન.

  5. Kirtichandra Shah says:

    Your Love For Poetry in particular and Sabdjagat in general and your assimilation makes you A Unique Person Dhanyvad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: