ડૉ. મુકેશ જોશી ~ હું કહી શકું
આ ક્ષિતિજ થોડીક આવે પાસ, તો હું કહી શકું;
કાં પછી જો થાય એવો ભાસ, તો હું કહી શકું…..
કેટલાં જન્મો તણી છે વાત બાકી રહી હજી!
એટલા ચાલે અગર આ શ્વાસ, તો હું કહી શકું……
વાત છે, શબ્દોય છે, કહેવુંય છે ને છે સમય;
કોઈ જો એવું મળેને ખાસ, તો હું કહી શકું…..
સાંજ પડતી હોય છે સંબંધમાં ક્યારેક તો;
સ્હેજ પાછો થાય જો અજવાસ, તો હું કહી શકું…..
તું મને પૂછ્યા કરે છે રોજ સરનામાં વિશે;
ઈશનો જો એક હો આવાસ, તો હું કહી શકું……
આમ તો થોડા હજીયે શે’ર તો કહેવા જ છે;
કાફિયાના જો મળે ને પ્રાસ, તો હું કહી શકું…..
~ ડૉ. મુકેશ જોષી
‘વાત છે, શબ્દોય છે…….’ આવો અનુભવ સંવેદનશીલ માનવીને થતો જ રહેતો હોય….. પણ ‘એવું કોઈ’ મળે… એ તો નસીબ!
અને આ શેર ખૂબ ગમ્યો. ‘સાંજ પડતી હોય છે સંબંધમાં’ એકધારો પ્રકાશ્યા રાખે એવો કોઈ સંબંધ હોય ખરો? ‘ના’. દરેક સંબંધમાં ઉતાર-ચડાવ આવતા જ રહેતા હોય છે. એ ગમે એટલો ઘનિષ્ઠ કેમ ન હોય! અને ત્યારે એક પક્ષે તો ઘણું કહેવાનું હોય જ છે….. અને અજવાસના એકાદ કિરણની રાહ જોયા વગર શબ્દો હોઠે નથી આવી શકતા…..
…તો કહી શકું
વાહ કવિ ખૂબજ સરસ ગઝલ છે.
વાહ ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન
ખૂબ સરસ ગઝલ, બધાજ શૅર સરસ.
ગઝલનું ભાવવિશ્વ અલગ છે. ઘણા શેર એવા છે કે જ્યાં મન થંભી જાય અને કવિતાનું અનનુભૂત વિશ્વ આપણને અજાણ ભૂમિકાઓ બતાવે. અભિનંદન. શુભેચ્છાઓ.