રાજેન્દ્ર પટેલ ~ સમી સાંજે : આસ્વાદ લતા હિરાણી * Rajendra Patel * Lata Hirani

સમી સાંજે બામાં

રાહ જોવાનો સૂર્યોદય થતો.

બાપુજીની દવાઓમાં અને અમારા દફતરોમાં 

એની સવાર પડતી.

દિવસભર બટન ટાંકતા ટાંકતા

પોતાનું એકાંત ટાંકતી.

બાપુજીના ઝભ્ભાને કે પછી સાલ્લાને

થીગડું મારતાં મારતાં 

સમયને સાંધી અકબંધ રાખતી.

જ્યારે એણે છેલ્લો શ્વાસ મૂકેલો 

જીવનમાં પહેલીવાર અમે સૂર્યાસ્ત ભાળેલો !!

~ રાજેન્દ્ર પટેલ

હૃદય સોંસરવું ઊતરી જાય એવું કાવ્ય. કાવ્યમાં સમયની એક સાંકળ રચાઈ છે સમય ઉઘડે છે, સમય બિડાય છે, બાની અંદર અને એ એના સંતાનને માટે સ્વયં ચેતનાનું ઉઘડવું બિડાવું બની રહે છે.

શરૂઆતની પંક્તિમાં એક નાનકડો વિરોધાભાસ રચી કાવ્ય ભાવકની સંવેદનામાં સીધો પ્રવેશ પામી જાય છે. સમી સાંજ એ બા માટે પ્રતીક્ષાનો સૂર્યોદય છે. સૌનો આતુર આંખે ઇંતજાર એ બાનું જીવનધ્યેય. અહીંયા સવાર માત્ર સવારે જ નથી પડતી. એમ તો બાપુજીને પહેલી દવા આપતાં અને બાળકોનાં દફતર ગોઠવતાં એની સવાર પડી જ જાય છે. પોતાના પરિવાર માટે કંઈક કરવું, કરતાં રહેવું એ એનો જીવનમંત્ર છે એટલે એ સમય એની તાજગી છે, ચેતન છે. પોતાના માળામાં પંખી છે, સળવળાટ છે, જીવન છે. બધાં જાય છે અને સમય સ્થગિત થઈ જાય છે.

સહુનાં ગયાં પછીનાં દિવસભરનાં કાર્યો એ સમયના બે છેડાને સાંધવાની પ્રવૃત્તિ! રસોડાનું કામ, ઘરની સાફસફાઇ કે બીજાં અનેક કામ, એનાથી પેલી સવારની ક્ષણ સાચવી લેવાની છે. મનમાં ઊગેલું અજવાળું અંધારામાં ન પલટાઇ જાય એટલું સંભાળવાનું છે. એકાંતથી જાત તૂટી ન જાય એ જોવાનું છે. દિવસભર બા સાંધ્યા જ કરે છે; સંતાનોનું ભવિષ્ય, ઘરની સુખશાંતિ અને સૌનો રાજીપો. બાપુજીના ઝભ્ભામાં લેવાતા ટાંકામાં, એની આંગળીઓમાંથી રેડાતી રહે છે તાકાત અને પોતાનાં સાલ્લાને સાંધતા એ સંકોરતી રહે છે બાળકો માટેનું વ્હાલ!! બા મુશ્કેલીઓ સામે ઢાલ બની ઘરની પરિસ્થિતિને, ઘરની સુખશાંતિને અને એમ આખાયે માળાને અકબંધ રાખે છે. સાંધવાની કળા માત્ર બા જ જાણે છે! એમાં ઘરની ખુશીઓ સંધાય છે. એની આંગળીઓનો સ્પર્શ અને ઝીણાં ટાંકામાં એનાં હૃદયની ભીનાશ સીંચાતી રહે છે, સવારથી સવાર સુધી… આકરી બપોર એ એકલી ખમી લે છે.

બાની હયાતી દરમિયાન સંતાન હૂંફાળી સવારથી જ વિંટળાયેલા રહ્યાં…એમને સૂર્યોદયનો જ પરિચય રહ્યો.. બાની આંખમાં અને હૈયામાંથી વરસતું વાત્સલ્ય એમને સઘળી પરિસ્થિતિમાં જીવવાની તાકાત પૂરી પાડતું રહ્યું પણ એક દિવસ બાની આંખ મિંચાઈ જાય છે, એનાં શ્વાસ પૂરા થાય છે અને ત્યારે જીવનભર ભાળેલો સૂર્યોદય, સૂર્યાસ્તમાં પલટાઈ જાય છે. માથા પરથી જાણે આખું આકાશ ખસી ગયું હોય એવો કવિનો અનુભવ અહીં ભાવક સુધી પહોંચે છે અને શબ્દોને વિરામ મળે છે, કાવ્ય સમાપ્ત થાય છે.

મનને ઝણઝણાવતાં આ કાવ્યનાં શબ્દો પછીથી વિચારતંત્રને ખળભળાવે છે. ઘરમાં એક સ્ત્રી ન હોય એટલે કે પત્ની, મા ન હોય તો એ કેટલા ટુકડાઓમાં વેરવિખેર થઈ જાય! બા સુખનાં સમયને સાચવીને હળવે હળવે વેર્યા કરે છે, તો દુખના ઓછાયા સામે પોતાનો પાલવ પાથરી દે છે. એની દુનિયા દફતર અને દવાઓથી શરૂ થઈને પ્રતીક્ષામાં પૂરી થાય છે. એનું આગવું કોઇ અસ્તિત્વ નથી. એ ભળી જાય છે પાણીમાં દૂધની જેમ. એટલે એનાં ગયાં પછી ઘરમાં પડઘાય છે સૂનકાર અને ખાલીપણાનો અહેસાસ..

અલબત્ત, હવે નવા યુગમાં સ્ત્રીની ભુમિકા થોડી બદલાઇ છે ખરી, પણ એની મૂળ જવાબદારીઓમાં ઝાઝો ફરક નથી પડ્યો. અને પડેય કેવી રીતે કેમ કે સમય બદલાય, યુગ બદલાય, વિચારો બદલાય પણ પોતાનાં સંતાન અને સંસાર પ્રત્યે માતાનું સ્નેહસભર હૃદય કેમ બદલાય? એનાં રોમેરોમમાંથી પ્રસરતી મમતા કેમ વિલાય ? અનેક સ્ત્રીઓને એનાં પોતાનાં વ્યવસાયમાં અને વિવિધ જવાબદારીઓમાં વહેંચાયેલી જોઉં છું અને ત્યારે પોતાના જીવનની, સંસારની પ્રાથમિક બાબતો માટે ભારે સંઘર્ષ અને જહેમત ઊઠાવતી માતાને આપોઆપ સલામ થઈ જાય છે અને આ નવા પરિપ્રેક્ષ્યમાંયે ઉપરનું કાવ્ય સાર્થક જણાય છે.

કવિ શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટના કાવ્યની પંક્તિઓ યાદ આવે છે,

નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ

તમે તીરથનું સરનામું, અમે ભમીએ વ્યર્થ

~ લતા હિરાણી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 જુન 2012

9 Responses

 1. વાહ ખુબ સરસ રચના અને અેટલોજ સરસ માણવા લાયક આસ્વાદ ખુબ ખુબ અભિનંદન માતા પિતા ની હયાતી ન હોય ત્યારે તે વધુ સમજાતા હોય છે

 2. દિલીપ જોશી says:

  આસ્વાદ ખૂબ ગમ્યો. રાજેન્દ્ર પટેલનું આ કાવ્ય એ અનુભૂતિની સચ્ચાઇનું ઉપનિષદ છે. આપણે સૌએ એનો અનુભવ કર્યો જ હોય છે.વિસ્તારથી આ કાવ્યનો આસ્વાદ સંબંધો અને ઋણાનુબંધના અનેક પરિમાણો ખોલી આપે છે.
  બન્ને સર્જકો કવિ રાજેન્દ્ર પટેલ અને લતાબેન હિરાણી ને ખૂબ ખૂબ અભિનંદન.

 3. ઉમેશ જોષી says:

  છેલ્લી પંક્તિ હ્રદયસ્પશીઁ..
  આસ્વાદ ખૂબજ સરસ…કવિતાના શબ્દોને સ્પશૅ કરી પછી આસ્વાદ આલેખન થયેલ છે.
  અભિનંદન

 4. તનસુખ શાહ says:

  સમી સાંજે કાવ્યનો આસ્વાદ ખૂબ સુંદર…
  અભિનંદન, બેન.

 5. વહીદા ડ્રાઈવર says:

  Wow very nice aswad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: