ગોવિંદ ગઢવી ~ સ્પર્શો મને

સ્પર્શો મને
હું સ્વયં આકાશ છું સ્પર્શો મને
તેજનો આવાસ છું સ્પર્શો મને…
ચૌદ બ્રહ્માંડો વસે મારી ભીતર
શેષ છું કૈલાસ છું સ્પર્શો મને…
અંત આદિ બેઉની છું મધ્યમાં
રક્ત છું હું શ્વાસ છું સ્પર્શો મને…
હું જ પરિજાત થઇ ત્યાં મ્હેકતો
સ્વર્ગની સુવાસ છું સ્પર્શો મને…
શબ્દ વાવી દ્યો, ગઝલ ઉગી જશે
લાગણીનો ચાસ છું સ્પર્શો મને…
~ ગોવિંદ ગઢવી
આ કવિને વર્ષો પહેલાં ‘સદા સર્વદા કવિતાના કાર્યક્રમમાં સાંભળેલા. એમની બધી ગઝલો સ્પર્શી ગયેલી પણ આ ગઝલ મનને વિશેષ પ્રસન્ન કરી ગઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કરમાં મારી કાવ્ય આસ્વાદની કૉલમ ‘કાવ્યસેતુ’ ચાલતી હતી. અને ત્યાર પછી હું આ કવિની વધુ રચનાઓની શોધમાં જ હતી. વિધિનું નિર્માણ એ છે કે 31 માર્ચે કવિ ચાલ્યા ગયા, કોઈ અગમની શોધમાં….
આજે કવિનો જન્મદિવસ. એમને સ્મૃતિવંદના
એમના કાવ્યસંગ્રહો : 1. ‘વિકલ્પ’ 2. ‘અવતરણ’
કવિના કાવ્યો તાત્કાલિક શોધીને મોકલવા બદલ કવિ શ્રી ઉર્વીશ વસાવડા અને કવિ શ્રી મિલિન્દ ગઢવીની આભારી છું.
અમારા જુનાગઢ નુ સ્મિત ઓલવાય ગયુ ઉમદા રચના અને અેટલુજ સુંદર વ્યકિતત્વ કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
આવી વ્યક્તિ વહેલી કેમ ચાલી જતી હશે!
પોતાના હોવાપણાનો અહેસાસ રચનામાં ઝીલાયો છે. વંદન.
કવિને જન્મ દિવસે સ્મરણ વંદના..
સ્મૃતિવંદન, સરસ ગઝલ