શૂન્ય પાલનપુરી ~ એક દી સર્જકને * Shoonya Palanpuri
એક દી સર્જકને આવ્યો
કૈં અજબ જેવો વિચાર;
દંગ થઈ જાયે જગત
એવું કરું સર્જન ધરાર!
ફૂલની લીધી સુંવાળપ,
શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી,
બાગથી લીધી મહક.
મેરૂએ આપી અડગતા,
ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી
ભાવના ભેગી કરી.
બુદબુદાથી અલ્પતા,
ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો
મોજના સંસારથી.
પ્રેમ સારસનો ઉપાડ્યો,
પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું
કાબરોથી કલબલાટ.
ખંત લીધી કીડીઓથી,
મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી
આગથી લીધો વિરાગ.
પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું,
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી!
~ શૂન્ય પાલનપુરી
શાયર શૂન્ય પાલનપુરીની પૂણ્યસ્મૃતિએ વંદના
*****
બાઇબલ કહે છે કે ઈશ્વરે સ્ત્રીનું સર્જન પુરુષની પાંસળીમાંથી કર્યું છે. પરિણામે પુરુષ ઈશ્વરના સીધા સંપર્કમાં રહી શકે છે, પણ સ્ત્રીને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. સ્ત્રીને ઈશ્વરના સંપર્કમાં આવવું હોય તો પુરુષના માધ્યમ વડે જ આવી શકે. (Hee for God only, Shee for God in him) (Paradise Lost, Milton) પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો રણકો પ્રસ્તુત નઝમમાંથી પણ ઊઠતો સંભળાય છે. આખું જગત દંગ રહી જાય એવું સર્જન કરવાના વિચારે સર્જનહારે સૃષ્ટિના અલગ-અલગ તત્ત્વો પાસેથી અલગ-અલગ વસ્તુઓ પ્રાપ્ત કરીને તમામને એકરસ કરીને સ્ત્રીનું સર્જન કર્યું અને દુનિયાને નારી નામની નવતર ભેટ પ્રાપ્ત થઈ. કવિએ સ્ત્રીની પ્રકૃતિ પ્રગટ કરવા માટે પ્રકૃતિના જે જે તત્ત્વો પાસે મદદ લીધી છે એની યાદી અને રજૂઆતની શૈલી પ્રભાવિત કરે એવી છે. સ્ત્રીસ્વભાવને ઉપસાવવા માટેની રૂપકવર્ષા અને અદભુત કાવ્યાત્મક રજૂઆત આપણને ભીંજવી જાય છે, પણ કાવ્યાંતે કવિ સ્ત્રીનો જન્મ થવાને કારણે દુનિયાને દર્દની ભેટ મળી એમ કહીને પૌરુષી સિક્કો મારીને સ્ત્રીને દુઃખદર્દનું નિમિત્ત ગણાવે છે એ વાત જરા ખટકે એવી છે. – ડો. વિવેક ટેલર
આ રચના માટે વિવેકભાઈની આ નોંધ મને ગમી. બહુ મહત્વપૂર્ણ લાગી. લયસ્તરો પરથી સાભાર નોંધી છે. – સંપાદક
કવિતા સરસ છે. વિવેકભાઇની આસ્વાદલેખની અંતિમ નોંધ સાથે હું સંમત થઈ શકતો નથી. અર્થઘટન કરતી વખતે સમગ્ર કવિતાનો મધ્યવર્તી સૂર પકડીએ તો દર્દની ભેટ મળી એ પંકિત સ્ત્રીની નિંદા નથી. ઇશ્વરીય સૃષ્ટિમાં દર્દ,પીડા,વેદના સર્જન માટે નિમિત્ત બને છે. તેથી અહીં પણ કવિ સ્ત્રીની સૃજનશીલતાને જ વંદન કરે છે. તેમાં સ્ત્રીની કોઈ નિંદા નથી. દર્દની ભેટ તો વિકાસ માટેની અમૂલ્ય ભેટ છે. સ્ત્રી પોતાની અને અન્યની પીડા પારખી શકે છે તેથી જ તેની પાસે વાત્સલ્ય અને સમર્પણ ભાવ છે.
કવિ શ્રી ની ચેતના ને પ્રણામ સરસ મજાની રચના અભિનંદન
કવિતા સરસ છે And remark by વિવેક ટેલર And oposing સૂર by Shri Dasani are both fresh And noteworthy
આ કવિતાના સંદર્ભે શ્રી વિવેક ટેલરનું મંતવ્ય અને શ્રી હરીશભાઈનું મંતવ્ય કવિતાને ફરી વાચી, સમજીને તપાસવા પ્રેરે છે.બંનેનો આભાર.
વાહ, કાવ્ય તો સરસ છેજ, પણ કવિ વિવેક ટેલરનું અવલોકન પણ યોગ્ય લાગે છે.
ખૂબ સરસ રચના
શુન્ય પાલનપુરી એ અદભુત કવિ હતાં. અમરત ઘાયલ સાહેબ આ ઉપમા આપેલી.