હરિહર પ્રાણશંકર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી… મહાનલ..

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી… મહાનલ..

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી… મહાનલ..

~ હરિહર પ્રાણશંકર ભટ્ટ (1.5.1895-10.3.1978)

સૌરાષ્ટ્રના જાળિયા ગામે જન્મેલા આ કવિના આ એક ઉત્તમ ભક્તિગીતથી એમનું નામ ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગયું છે. આપણે શાળામાં પણ આ કવિતા ભણ્યા છીએ અને આપણી પેઢીને આ કવિતા એના સ્વરો સાથે એ હૃદયસ્થ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

કવિનો કાવ્યસંગ્રહ : હૃદયરંગ  

ફોટો સૌજન્ય : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ  

1 Response

  1. વરસો થી શાળા મા ગવાતી કવિ શ્રી ની ઉત્કૃષ્ટ રચના કવિ શ્રી ને પ્રણામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: