પુષ્પા વ્યાસ – આસ્વાદ સુરેશ દલાલ Pushpa Vyas Suresh Dalal

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!
પુષ્પા વ્યાસ

ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે

પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. એમના ગીતના ઉપાડ ભાવિક અને સ્વાભાવિક છે. વાંચતાની સાથે એ ઉપાડ એટલી હદે ગમી ગયા કે જો એ પંકિતઓ ટાંકવા બેસું તો કદાચ એનો પાર ન આવે. હું એમને કદીયે મળ્યો નથી, પણ આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી મળ્યો નથી એમ કહેવું એ પણ બરાબર નથી. એમની કવિતા દ્વારા પરોક્ષ રીતે જાણે કે એમનામાં વસેલા આંતર-કવયિત્રીને મળ્યા જેટલો જ આનંદ થાય છે.

એમની કવિતામાં કસબ છે, પણ એ જુદો તરી આવે એવો નથી. આ લક્ષણ એમની કવિતાનો ગુણ છે. કસબ જુદો તરી આવે એનો અર્થ એવો કે એ બાહ્ય છે. કવિતા સાથે જ જાણે કે કસબ વણાયેલો છે. એમના લોહીમાં લયનું નિરંતર ભ્રમણ થતું હોય એવું લાગે. મને વહેમ છે અથવા એમ કહું કે મને શ્રદ્ધા છે કે એમને કયાંક ને કયાંક કોઈ કોઈ વાર અથવા અવારનવાર આઘ્યાત્મિક સ્પર્શ થયો જ હશે. નહિતર ગીતના આવા સંધેડાઉતાર ઉપાડ મળી ન શકે. એ કોઈની પરંપરામાં પ્રવેશીને લખતાં નથી, પણ પોતાના ભાવજગતની પરંપરામાં રહીને લખે છે. એ અનુભવને અથવા અનુભવની તીવ્રતા-અનુભૂતિને પોતાના શ્વાસમાં લે છે અને પછી ઉચ્છવાસમાં કવિતારૂપે પ્રગટ કરે છે.

ભલું થજો આત્મીય મોરારિબાપુનું કે એમણે પુષ્પાબહેનને ભાવભર્યો આગ્રહ કર્યો અને એને પરિણામે આપણને ‘નિંભાડો’ જેવો કાનમાં અને ઘ્યાનમાં વસી જાય એવો પ્રથમ કાવ્યસંગ્રહ તાજેતરમાં મળ્યો. ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ અને જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની-ની અનાયાસ યાદ આવે છે. કવયિત્રીના મનમાં એક ક્ષણે આવું કશું નહીં હોય. આ ગીત એવી પ્રતીતિ આપે છે કે એમણે લખ્યું નથી પણ એમનાથી સહજપણે, અનાયાસે લખાઈ ગયું છે. હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી એ પણ પંકિત ગુંજતી ગુંજતી કાન કને આવે. પણ અહીં તો નારાયણ, હરિ અને પુરુષોત્તમ-આ ત્રણે નામ ત્રિભુવન જેવાં અને આ નામના ઘરમાં જ ઠરવાની વાત છે. કવયિત્રી આપણા એક જમાનામાં જાણીતા કવિ ત્રિભુવન વ્યાસનાં પુત્રી છે. લોહીમાં વહેતો લય હાડકાંમાં કોતરાઈ ગયેલો છે. દરિયાનાં મોજાંની જેમ અથવા સાંજની હવાની લહેરની જેમ એક પછી એક પંકિત આવે છે. ભાષા પરથી કહી શકાય કે કવયિત્રી સૌરાષ્ટ્રનાં છે, નહિતર ‘હૈયાદૂબળી’, ‘હું મોઢે મોળી’ એવા શબ્દપ્રયોગ કયાંથી આવે? ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે. કામ કામની રીતે થાય અને નામસ્મરણ નામની રીતે થાય. કોઈ કોઈની આડે આવતું નથી.

ભવખેતરમાં નર્યા સમર્પણથી વાવેલી જાર મોતી થઈને મબલખ લહેરાય છે. આ સમર્પણ એકનિષ્ઠ ભકિતનું પરિણામ છે. જે કંઈ વાવ્યું છે એ જ્ઞાનથી નથી વાવ્યું અથવા સમજણથી પણ નથી વાવ્યું. અણસમજમાં કોઠાસૂઝે જે આવડયું તે કર્યું. આ વાત કવિતાના ક્ષેત્રે પણ સાચી છે. કવયિત્રીએ રીતસરનો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને પછી લખ્યું હોય એવું નથી. ખુદના ખડિયામાં કલમ બોળીને જે આવડે તે લખ્યું છે. અણસમજમાં કદાચ બાવળ કે બોરડી વવાઈ ગયાં હોય પણ ભકિતભાવ એવો કે જયાં જોઉ છું ત્યાં આંબા ને મંજરી જ દેખાય છે. લખતી વખતે કોઈ પોથી, પુસ્તક, શાસ્ત્ર કશું જ કામ નથી આવતું. જીવન જીવવામાં જ્ઞાન ઘણી વાર ઘમંડનું રૂપ લે છે અથવા બોજો બને છે પણ છઠ્ઠી ઈન્દ્રિય આપણને કોઈ અગિયારમી દિશા બતાવે છે. પ્રેમનો અઢી અક્ષર એ પરમેશ્વર થઈને રહી જાય છે. અહીં શ્રદ્ધાની બુલંદી છે અને આ બુલંદી કેવી કે આંગણે કદંબ, ઘટમાં યમુના અને પોતે વાંસળી. પ્રતીતિ એવી કે કૃષ્ણની ફૂંક વાગશે જ.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર – ‘હયાતિના હસ્તાક્ષર’

3 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    સાદ્યંત સુંદર ગીત છે અને સુરેશભાઇનો આસ્વાદલેખ તો મંદિર પર ફરકતી યશપતાકા.

  2. સુરેશભાઈ નો આસ્વાદ લેખ ખુબ સરસ કાવ્ય પણ અેટલુજ સુંદર

  3. એક સ્ત્રી કવિ જ આવું ભાવભર્યું ભક્તિ ગીત રચી શકે. આસ્વાદની પણ અનેરી મજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: