કૌમુદિની શુક્લ ~ તાળું ખોલતાં જ

તાળું ખોલતાં જ

હાઉક કરતી નટખટ ધૂળ

અંતરંગ સખી બની વળગી પડી !

સ્વગૃહ-પ્રવેશની એક ક્ષણમાં

કડવી, નકામી સ્મૃતિઓ સરી ગઇ !

પોતીકા સ્થળે પાછા ફરવું

કેટલું સુખદ

કેટલું જાજરમાન લાગે છે !

~ કૌમુદિની શુક્લ

એક સ્ત્રી જ લખી શકે એવી કવિતા, એક સ્ત્રી જ અનુભવી શકે એવા મનોભાવ. દરેક સ્ત્રીને પોતાની જ વાત લાગે એવી સાવ નાનકડી, સરળ છતાં સ્પર્શી જતી કવિતા.

બહારગામ જતી સ્ત્રી હંમેશા ઘરને પોતાની છાતીએ વળગાડીને સાથે જ લઇ જતી હોય છે. પોતાના જવા અંગે એ જેટલી તૈયારી નહીં કરે એટલી તૈયારી એણે પોતાનું ઘર છોડતાં કરવાની હોય છે. આ કાવ્યમાં બે મજાની વાત ડોકિયું કરીને નમણાશથી વીંટળાઇ વળે છે. એક છે પોતાની એટલે કે ગૃહિણીની ગેરહાજરીમાં ઘરમાં પ્રસરી ગયેલી ધૂળ અને બીજી વાત સ્વગૃહે સુખદ પ્રવેશ. અહીં મજાની વાત એ છે કે જે ધૂળથી ગૃહિણી રોજ કંટાળતી હોય છે એ જ ધૂળ બહારથી પાછાં ફરતાં અંતરંગ સખી લાગે છે. કારણ બસ એક જ કે ધરતીનો છેડો ઘર. સ્વગૃહ પ્રવેશ આમેય સુખદાયી જ હોય છે. સફરની કડવી મીઠી સ્મૃતિઓ સરી પડે છે.

ઘર એમાં રહેનારાઓ માટે એ માત્ર છત, દિવાલો અને બારીબારણાં જ નથી, એક ચેતનતત્વ છે અને ગૃહિણી માટે તો એ પોતાનું અંગ જ. જે બહાર ગયા પછી એ વધારે બળુંકું અને બોલકું બની જાય છે. સ્ત્રીને માટે આ સનાતન સત્ય છે કે પ્રવાસમાં ઘર સતત સંતાકૂકડી રમ્યા કરે રાખે ને ઘરમાં પ્રવેશતાં હાઉક કરે પોતાપણું….  

4 thoughts on “કૌમુદિની શુક્લ ~ તાળું ખોલતાં જ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    સુંદર લઘુકાવ્ય.વિનોદિની નીલકંઠે પોતાના ઘરનું નામ જ-“હાશ”-રાખેલ,તે યાદ આવે.

  2. ‘ધરતીનો છેડો ઘર’ ને ચરિતાર્થ કરતું નાનકડું કાવ્ય.અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *