જેઠાલાલ ના. ત્રિવેદી * Jethalal Na. Trivedi
શ્રેષ્ઠ દાન
અંધારું ટાળવાને ઈશ અવનિનું તેં સૂર્ય ને ચન્દ્ર જેવા,
ફેંક્યા બે ચાક લેતા ચકર ભમરડા દોરી વીંટી દિશાની;
ને ધોવા પાદ ભૂના સતત ગરજતા સાત સિંધુ બનાવ્યા,
સ્નાનાર્થે પૃથવીના મધુર જળભર્યાં મેઘ કેરા ફુવારા.
રત્નો હીરા સુવર્ણે ઉદર ધરણિનું તેં ભર્યું ઠીક એ તો
એથી મોંઘા ભર્યા તેં જીવનરસ તણા કોષ ગર્ભે ધરાના;
મેઘે તેં વીજળીની મધુરપ રચી ને જીવને પ્રેમ કેરી,
આપ્યાં આશા, યુવાની, સુમધુર કવિતા ને કલાશાં રૂપાળાં.
આપ્યું છે એટલું કે ગણી નવ શકશે શેષ કેરીય જિહ્વા,
ને એવું ભવ્ય આપ્યું લવ ન કદીય જે માનવીથી કથાયે;
આપ્યું આ સર્વ તેથી જગતજન બધાં વંદતાં વિશ્વસ્વામી!
વંદે કૈં ના નવાઈ; પણ તુજ દીધ સૌ મૃત્યુથી દુઃખ પામે.
વંદું હું શ્રેષ્ઠ જાણી પણ તુજ દીધ એ માધુરી મૃત્યુ કેરી,
મૃત્યુની વીજ વિના સકળ મધુરતા તેં દીધી થાત ઘેરી.
~ જેઠાલાલ ના. ત્રિવેદી (25.2.1908 27.10.1993)
1908માં જન્મેલા આ કવિને આજે યાદ કરીએ. કાવ્યપરંપરાને જીવંત રાખવામાં આ સૌનો ફાળો હોય છે.
કાવ્યપરંપરા આવા અનેક તારલાઓ થી દૈદિપ્યમાન છે પ્રણામ
ખૂબ જ સરસ સોનેટ છે, કવિને સમૃતિ વંદન.