
લઈ નમક જેવા સ્મરણ અડશો નહીં,
ઝખ્મ છે તાજા અરે ખણશો નહીં.
આગમાં હોમાય છે ઘી એ રીતે,
સ્વપ્ન હોમે કોઈ તો બળશો નહીં.
આમ જો સંતાઇ જાશો જાતથી,
તો પછી ખુદનેય તે જડશો નહીં.
છે બહારોએ દીધાં સોગંધ કે –
તાજગીના પર્ણ છો, ખરશો નહીં.
કોઈ આવીને સતત હોવાપણું –
ઘૂમરાવે તોય ખળભળશો નહીં.
જાળવી બેલેન્સ થોડું ના શકો,
એટલા ઊંચે કદી ચડશો નહીં.
સૂર્યએ નોટિસ કાઢીને કહ્યું –
કે સમય પ્હેલા કદી ઢળશો નહીં.
ઝૂકવાનો અર્થ ના સમજી શકે,
એમની સામે કદી નમશો નહીં.
~ જિજ્ઞા ત્રિવેદી
ત્રીજા અને ચોથા શેરમાં આત્મવિશ્વાસ જાળવવાની વાત સરસ રીતે આવી છે. પાંચમો અને સાતમો શેર એ જ વાતને દૃઢાવે છે. સરસ ગઝલ

સુંદર ગઝલ. 👌🏻
ઝુકવાનો આર્થ ના સમજી શકે….. વાહ
સૂર્યની નૉટિસની વાતમાં દમ છે. ગઝલનો અંદાજ પોતીકો લાગ્યો.અભિનંદન.
જિજ્ઞાબેન ત્રિવેદીની રોચક ગઝલ છે.
અભિનંદન.
ખૂબ ધારદાર ગઝલ
સકારાત્મક અભિગમ બતાવતા બધાજ શેર ગમ્યા.