ચંદ્રકાંત શેઠ ~ ઝાડ રે ઝાડ

ઝાડ રે ઝાડ !
તું ઈશ્વરનો પાડ !

તારાં માટીમાં મૂળ
તારે ડાળ ડાળ ફૂલ !

તારું થડ છે ટટ્ટાર
તારે પાંદડા અપાર

તને મીઠાં ફળ થાય
બધાં હોંશભેર ખાય

તું ધરતીનું બાલ
તને કરતાં સૌ વ્હાલ

ઝાડ રે ઝાડ
તારો દુનિયા પર પાડ !

~ ચંદ્રકાંત શેઠ

કેટલું સરળ, અર્થપૂર્ણ અને બાળકની સામે આખું ચિત્ર રજૂ કરી દેતું, લયની રીતે જોઈએ તો બાળક તરત ગાઇ ઊઠે એવું મધુરું આ બાળકાવ્ય, જેના રચયિતા કવિ શ્રી ચંદ્રકાંત શેઠને વર્ષ કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 2018 નો બાળસાહિત્ય માટેનો એવાર્ડ પ્રાપ્ત થયો હતો. આ સર્જકની વિશિષ્ટતા એ કે છે એકબાજુ ગંભીર ચિંતનભર્યું સાહિત્ય અને બીજીબાજુ બાળસાહિત્ય આ બંનેમાં એમનું પ્રદાન ઉત્તમ અને માતબર.

વૃક્ષ અંગેના આ કાવ્યમાં કેટલી ચિત્રાત્મક શૈલી છે ! બાળક આ કાવ્ય વાંચે કે સાંભળે અને એની આંખો સામે એક સરસ મજાનું લીલુંછમ વૃક્ષ તરવરે. વૃક્ષ વિશે તો સહજ રીતે એ સમજે પણ વૃક્ષની ઉપયોગિતા પણ સાવ ઓછા શબ્દોમાં અને શિખામણના કોઈ જ ભાર વગર કવિએ સમજાવી દીધી !

ઝાડ રે ઝાડ !  તું ઈશ્વરનો પાડ !અને ઝાડ રે ઝાડ,  તારો દુનિયા પર પાડ !

વૃક્ષને વળી ધરતીના બાળક સાથે સરખાવી કવિએ એને બાળક સાથે સમ સ્થિતિમાં મૂકી દીધું. જાણે બાળકને એ પોતાનું દોસ્ત જ લાગે ! અને બાળકને તો વ્હાલ જ કરવાનું હોય ! વ્હાલ એટલે શું ? એને પ્રેમ કરવો અને એની તમામ સંભાળ લેવી ! બાળકને વૃક્ષ વિષે સમજાવવું હોય તો આટલી કવિતા પૂરતી છે. પ્રાસરચના વગર બાળકાવ્ય સંભવે નહીં. અહી પ્રાસ અને લય હિલોળા લે છે. કશું પણ યાદ રાખવા માટે એને ગાવું, એનાથી ઉતમ કોઈ રસ્તો હોય શકે નહીં. બાળકોનું બધું ભણવાનું આમ ગીતો વડે જ હોવું જોઈએ તો પછી એના અભ્યાસ માટે કોઈ ફરિયાદ ના રહે.

કવિનો આજે જન્મદિવસ. સ્નેહભર્યા વંદન.

6 thoughts on “ચંદ્રકાંત શેઠ ~ ઝાડ રે ઝાડ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    વિસરાતી જતી માતૃભાષા અને બાલગીતોની સમૃદ્ધ પરંપરાઓ જ્યારે નજર સામે દેખાય છે તે સમયે ગુજરાતી ભાષાના આવા ઉત્તમ બાળકાવ્યો આશાકિરણ બનીને આવે છે.

  2. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

    સરળ,સહજ,સાધ્યંત સુંદર.
    બાળક બની ગાયા કરવાનું મન થાય એવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *