અમૃત ઘાયલ ~ દશા મારી Amrut Ghayal

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: