જાતુષ જોશી ~ ભલે આકાશ છલકાતું

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

~ જાતુષ જોશી

મહર્ષિ વેદ વ્યાસ ‘બ્રહ્મસૂત્ર’ના આરંભમાં કહે છે, ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ અહીંથી બ્રહ્મવિષયક વિચારણાનો પ્રારંભ થાય છે. ગઝલમાં ‘બ્રહ્મજિજ્ઞાસા’ પરોવવી એ કોઈ ઊંચા ગજાનો કવિ જ કરી શકે. ઈશ્ક મહોબ્બતની કવિતાઓ રચવાની વયના યુવાન કવિ જાતુષ જોશીની સર્જકચેતનાને સલામ કે જેમની ગઝલમાં સતત જાત ભણીની જાત્રા ઝળકે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: