વિવેક ટેલર ~ મૂંઝારો * Vivek Tailor

મૂંઝારો ~ વિવેક ટેલર

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

~ વિવેક મનહર ટેલર

ગોપીના વિરહભાવનું આ ગીત. બીજા અંતરામાં ‘મહીં અને મહી’નો પ્રયોગ રીઝવી ગયો. તો ‘જાત ભરીને હજુ ટાંગીએ શીકા’ આ કલ્પન પણ હૈયા સોંસરવું ઉતરી ગયું….. જેમાં જાત ભરી છે એ શીકાનું તૂટવું અનિવાર્ય છે. એ વિણ જન્મારો એળે જાય…. પણ ગોપીના જન્મારા એળે ન જાય… કૃષ્ણ જેનું નામ !    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: