પ્રફુલ્લ પંડ્યા ~ દર્પણ સામે * Prafull Pandya

દર્પણ સામે ઊભા રહીને ઘણું વિચારી લીધાં પછીથી
ચ્હેરા જેવું બોલી દઇને દરિયા સામે નીકળું ‌!

પડછાયાને પામી લેવાં તેજલિસોટા તાણી લેવાં,
આ છેડેથી હું દોડું ને ઓ છેડેથી મને જોઈ કોઈ વાદળ !
અરે! દોડધામ પૂરી થૈ ને મનની મનમાં રહી ગઈ ત્યારે
આગળ પાછળ જેવું લખવાં હાથમાં ઝાલું કાગળ કોરો કાગળ !
કાગળ સામે ઊભા રહીને ઘણું વિચારી લીધાં પછીથી
ભ્રમણા જેવું બોલી દઇને  ખુદની સામે પીગળું !

પીગળી જાશે કાયા મારી ધારી લઉં છું કારણ કે હું
પાંચ પાંડવ ને હિમ વચ્ચેનાં જુનાં સંબંધમાં માનું છું !
વરસો જુનાં વરસો સાથે અંગત બનવાની ભ્રમણામાં
મને ઊતરી દીધો મેં એવી સમજણનું પાનું છું !       
સમજણ સામે ઊભા રહીને ઘણું વિચારી લીધાં પછીથી
સાચું ખોટું બોલી દઇને દર્પણ સામે નીકળું !

પ્રફુલ્લ પંડ્યા

જાત સાથે વાત કરવાની, જાતને ક્યાંક ખોળવાની, અચાનક ક્યાંક ક્ષણભર પોતાને સાંપડી યે જવાની મથામણ આ ગીતમાં વરતાય છે ને સાથે સાથે સમજુ ભાવક પણ આ જ ક્રિયાના પ્રવાહમાં તણાય એવું બને ! ‘દર્પણ’ અને ‘પડછાયા’ જેવા જાણીતા પ્રતીકો પાસેથી કવિએ સાવ નોખું કામ લીધું છે.

‘મને ઊતરી દીધો મેં એવી સમજણનું પાનું છું !’  કવિના બીજા એક ગીતમાં પણ આવું જ ઊંડું ચિંતન ભર્યું છે,

ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!
ટાપુ જેવા વિચારને જા દરિયા વચ્ચે મૂક! – પ્રફુલ્લ પંડ્યા

4.1.21

***

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ શ્રી પ્રફુલ્લ પંડ્યાનું અદ્ભુત ગીત છે, માણ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: