માધવ રામાનુજ ~ અજવાળું અજવાળું * Madhav Ramanuj

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

માધવ રામાનુજ

કેમ પરોવાઈ જવાય છે આ શબ્દોમાં ? કેમ હૈયે છાલકની જેમ છંટાય છે આ ભાવ ? કેમ પોતીકું લાગે છે આ કાવ્ય ? જવાબ નથી જડતો અને આ સવાલો પણ ઊઠીને તરત આથમી જાય છે, અંદરના આકાશમાં…  કવિએ કહ્યું એમ પેલું ભીતરનું અજવાળું બધા સવાલો શોષી લેતું હશે ! ‘આવું જીવવાની એકાદ ક્ષણ’ ઝંખનારને એ મળે જ, ફળે જ.  અને એવી ધન્ય પળને સથવારે બાકીનું આયખું ખેંચી શકાય.

ગીત હવે સંગીત સાથે સાંભળો. એમાં શુભા જોશીના સૂરીલા કંઠનું કામણ અને શ્યામલ-સૌમિલ મુનશીના સંગીતનો જાદુ પણ ઓર અસર પેદા કરશે…

18.1.21

કાવ્ય : માધવ રામાનુજ સ્વર : શુભા જોશી સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

***

દિનેશ ડોંગરે નાદાન

13-04-2021

માધવભાઈનું ખૂબ સુંદર અને ગમતું ગીત મજા આવી ગઈ

રૂપલ મહેતા

13-04-2021

માધવ રામાનુજ ની રચના..અંદર અજવાળું..નહીં સાંકળ…નહીં ક્યાંય તાળું…સુંદર રચના…
રિંકુ રાઠોડ અને રક્ષા રાઠોડ…નું અદભુત શબ્દ સર્જન..!!! લતાબેન…સાચા અર્થમાં ગમતાનું ગુલાલ .. દરેક કૃતિ અનોખા રંગોની ભાત ભરી જાય છે..!!

Purushottam Mevada, Saaj

13-04-2021

મા. શ્રી માધવ રામાનુજનું ગીત અદ્ભૂત ભાવ વિત્શ્વમાં લઇ જાય છે. ગીતનું સ્વરાન્કન અને ગાયન ની એ ખૂબી વધારો કરે છે.

સુરેશ જાની

13-04-2021

અંદર તો એવું અજવાળું, અજવાળું…
——
ગમતીલું ગીત . અનેક વખત સાંભળ્યું છે. અંતરયાત્રાનો મહિમા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: