રેણુકા દવે ~ સખીરી

આમ ન કોઈ વાત ને તોયે આમ લાગે આઘાત, સખીરી!

હોઉં પિયાની સાથ ને તોયે હોય ન એ સંગાથ સખીરી !

આંખ તો આંજી સપના જુએ, કોઈ આઘેની વાટ, સખીરી

સાવ અડીને ચાલતાં તેને, ઓળખું ના એ ઘાટ, સખીરી

કોઈ અજાણ્યો કૅફ, કે આખા જગનો જુદો પાથ, સખીરી

હોઉં પિયાની સાથ ને તોયે હોય ન એ સંગાથ સખીરી !

કાનમાં રેડ્યે જાય આ લોકો, કેવકેવી કંઈ વાત, સખીરી

સાથ બેસીને સાંભળું તોયે, બંધ આ કાન કપાટ, સખીરી

મનની ભીતર વાંસળી વાગે, દિન જુએ ના રાત, સખીરી

હોઉં પિયાની સાથ ને તોયે હોય ન એ સંગાથ, સખીરી.!

મનનું આખું આભ ઝળાહળ, ક્યાંય નહીં કચવાટ, સખીરી

કોઈ ધરે છો રોજ હળાહળ, તોયે નહીં ઉચાટ, સખીરી

સાવ ઝીણેરું મનખું હું, તોયે જાત બની વિરાટ, સખીરી

હોઉં પિયાની સાથ ને તોયે હોય ન એ સંગાથ, સખીરી.!

રેણુકા દવે

‘તથાગત’ સામયિકના તંત્રી એવા રેણુકાબહેન પોતાના સામાયિકમાં બીજાની કવિતાનું રસદર્શન કરાવતા કરાવતા ખુદ કવિતાને પંથે ચડી ગયા. આ એક સુખદ સંયોગ કેમ કે આમ અચાનક પકડાયેલ પંથના સંગાથમાં જે નીપજે છે એ ઊંડાણભર્યું અને મધુર છે. જીવનના અનુભવોનો નિચોડ અને સમજણનું પ્રાગટ્ય છે. ‘સાવ ઝીણેરું મનખું હું, તોયે જાત બની વિરાટ સખી રી !’ આ પંક્તિમાં એમની નમ્રતા અને શ્રદ્ધા બંનેનું ઝળહળ વર્તાય છે.  

સાભાર – ‘પ્રિયજનની સંગે’ કાવ્યસંગ્રહ 

19.1.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: