રોહિત પ્રજાપતિ – અમારું ઘણું સરખું

એમની પાસે કાર્ડ, અમારી પાસે પણ

એમની પાસે એ.ટી.એમ., અમારી પાસે બી.પી.એલ.

તેઓ પૈસા ગોદડાં નીચે મૂકે, અમે પણ

તેઓ બે નંબરના હોવાથી,

અમારી પાસે બેંકમાં મૂકી શકાય તેવા પૈસા ન હોવાથી !

અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે !

તેઓ સાયકલ ચલાવે, અમે પણ

તેઓ ઘરમાં, અમે રસ્તા ઉપર

તેઓ ઊંધી, અમે ચત્તી

તેઓ ચાલે, અમે પણ

તેઓ બાગમાં, જીમમાં, અમે રસ્તા ઉપર

અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે !

તેઓ ઉપવાસ કરે, અમે પણ

તેઓ વજન ઉતારવા, અમે અનાજના અભાવે

તેઓ દવાથી કંટાળ્યા, અમે પણ

તેઓ રોજેરોજ દવા ખાઇને, અમે દવાના અભાવે

તેઓ નાચે અને બૂમો પાડે, અમે પણ

તેઓ પાર્ટીમાં, અમે ધરણાં અને રેલીમાં !

અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે !

તેઓ ઉધાર ખરીદે, અમે પણ

તેઓ ક્રેડીટ કાર્ડથી, અમે ક્રેડીટ પર

તેઓ સગવડ તરીકે, અમે મજબૂરીથી

તેઓ દેવાદાર, અમે પણ

તેઓ વધુ પૈસાદાર થવા, અમે જીવન ટકાવવા

અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે !

તેઓનાં બાળકો શાળાએથી સીધાં જાય, અમારાં પણ

તેઓનાં બાળકો શાળાએથી ટ્યુશન,

અમારાં બાળકો શાળાએથી કામે

તેમનાં બાળકોના હાથમાં મોટરબાઇક, અમારાં પણ

તેઓના હાથમાં ચલાવવા માટે,

અમારા બાળકોના હાથમાં રીપેરીંગ કરવા !

અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે !

તેઓ પાણી પીએ, અમે પણ

તેઓ આર.ઓ.માંથી, અમે જ્યાં ત્યાંથી

તેઓ મુક્તિ ઇચ્છે, અમે પણ

તેઓ મૃત્યુ બાદ,

અમે મોજુદ પારાવાર મુશ્કેલીઓથી

તેઓ સપનાં જુએ, અમે પણ

તેઓ હજુ વધુ પૈસાદાર થવાનાં,

અમે જીવન ટકાવી રાખવાનાં

અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે !

રોહિત પ્રજાપતિ

કેટલું સચોટ ! તદ્દન સીધાસાદા શબ્દોમાં પણ ધારદાર રજૂઆત. આ કાવ્ય વિષે બીજું કાંઇ જ ન કહી શકાય. શરમ જરૂર અનુભવી શકાય. લાચારી સમજદાર અને સંવેદનશીલ મનુષ્યના મનનો કબજો લઈ લે એવું બને.

20.1.21

***

Purushottam Mevada, Saaj

13-04-2021

રોહિત પ્્રરજાપતિ ની કવિતા જુદી રીતે હળવાશના ભાવમાં રંકનું દર્દ આલેખ્યુ છે.

રેખા ભટ્ટ

13-04-2021

રોહિત પ્રજાપતિ ની કવિતા, અમારું ઘણું સરખું પણ જરા જુદી રીતે… આટલી બધી અસમાનતા કેટલી સહેલાઈથી બતાવી દીધી!કાર્લ માર્ક્સ ને હરાવી દીધા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: