અઝીઝ ટંકારવી ~ સમય થઈ ગયો

રિટાયર થવાનો સમય થઈ ગયો,
બરાબર થવાનો સમય થઈ ગયો.

શરીરે સુવાસો લગાવી ઘણી,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો.

તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,
લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો.

હજી સત્ય પર આવરણ ક્યાં લગી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો.

હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,
મુસાફર થવાનો સમય થઈ ગયો.

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,
હવે ઘર જવાનો સમય થઈ ગયો.

અઝીઝ ટંકારવી

પહેલો શેર બીજી વાર વાંચતાં એમાનું ઊંડાણ સ્પર્શી જશે. રિટાયર થવાનો સમય તો સૌનો થવાનો જ. અલબત્ત રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ કોને કહેવી એ એક જુદો મુદ્દો છે – પ્રચલિત અર્થમાં નોકરી કે વ્યવસાયમાંથી નિવૃત્ત થવું. બાકી લોકો જીવનના અંત સુધી ગમતા કામમાં વ્યસ્ત રહે છે એ એક જુદી અને મજાની વાત છે. અહીં આપણે રૂઢ થયેલા એટલે કે પ્રચલિત અર્થને પકડીએ તો શેરની બીજી પંક્તિ ‘બરાબર થવાનો સમય થઈ ગયો’ આપણને ક્યાં લઈ જાય છે ? શું આખું જીવન આપણે ડામાડોળ જ રહયા ? હા, કદાચ એ જ સચ્ચાઈ છે. નોકરી કે વ્યવસાયની નિવૃતિ સુધીમાં જો સમજણના અંકુર ફૂટયા હોય તો ‘બરાબર’ થવાનો મોકો રહે છે…

પ્રથમ શેરનો મને આ અર્થ તારવવો ગમ્યો. બીજા જ શેરથી ‘આખરી મંઝિલ’ મૃત્યુ તરફના પ્રયાણની સ્પષ્ટ અભિવ્યક્તિ છે… એ પણ એટલી જ સુંદર છે. પ્રથમ શેર પણ એ જ રસ્તે હોય શકે, હશે જ..

17.2.21

સુરેશ જાની

13-04-2021

રિટાયર થવાનો સમય થઈ ગયો,
એક વખત તો રિટાયર થઈ ગયા. હવે કાયમી રિટાયર થવાની ક્યાં ઉતાવળ છે, કે આમ એની રાહ જોવી ?!

Purushottam Mevada Saaj

13-04-2021

જે ગીતને અનેક વાર માણતા વૃદ્ધ થયા એમને જુવાની યાદ કરાવે એવું અવિનાશ વ્યાસનું ગીત છે. અઝીઝ ટંકારવી ની ગઝલ એમાં સૂર પુરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: