ગૌરાંગ ઠાકર ~ બોલ ને સખા

બોલ ને સખા કઇ રીતે હું આયના સામે જોંઉ ?
જોઇ તું લે તો ક્યાંય બીજે હું ભાળવું મેલી દઉં.

ટેરવે લીધું કંકુ અલી મેં ય બરાબર એમ
ઊંચકે જાણે આભ ધરાથી સૂરજદેવને જેમ
ભાલમાં તિલક તાણતાં લાગી હું અજાણી હોંઉ…

ઉરનો આનંદ આજ ગળાનાં હારમાં પહેર્યો મેં
હાથનાં કંગન હાથને દે છે સુખની તાળી લે
મન કળાયેલ મોર થયું ત્યાં જાત ને આખી ખોંઉ…..

રાતના તારા આંખમાં મારી કરતાં રાતની પાળી
આવતો જ્યાં તું શમણે ત્યાં તો પાંપણ પાડતી તાળી
આવ ને મારા ભાગની નીંદર તુજને આપી દઉં…

– ગૌરાંગ ઠાકર

આખુંય વિશ્વ પ્રેમની ભાષા સમજે છે, આખુંય વિશ્વ પ્રેમનો પડઘો પાડે છે. પ્રેમના વાઇબ્રેશન્સ એવાં છે કે જે સેકન્ડ્સમાં પૃથ્વીને બીજે છેડેય પહોંચી જાય છે અને પ્રેમ એટલે પ્રેમ. એમાં મમતા, કરુણા બધુંય સમાઈ જાય.

આ ગીતમાં આમ તો બધાં જ કલ્પનો મનને પ્રેમના નશામાં ચૂર કરે એવાં છે પણ સૌથી વધુ ગમ્યું એ – ટેરવે કંકુ લેવાના હરખને કવિએ સૂર્યોદય સાથે સરખાવ્યું ! જાણે ધરાની આંગળી કંકુ જેવા લાલ સૂરજને લઈને ભાલ તરફ જાય છે ! વાહ !

10.5.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-05-2021

સરસ ગીત.

Gaurang Thaker

10-05-2021

કાવ્યવિશ્વનાં સંચાલકનો આભાર ?

દિનેશ ડોંગરે નાદાન

10-05-2021

કવિમિત્ર ગૌરાંગને મોટે ભાગે લોકો ગઝલકાર તરીકે ઓળખે છે. પરંતુ આ ગીત એની ગીતકાર ની ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: