રાજુલ ભાનુશાળી ~ વસીને બારસાખે

વસીને બારસાખે પાંગરી છું હું 

ફક્ત વરને નહીં, ઘરને વરી છું હું

કહે, એથી અનેરું સુખ શું હોવાનું?

તું પણ છે સાંવરો, ને સાંવરી છું હું!

લખી લીધા લલાટે લાભ ને શુભ પણ,

સ્તવનનો સૂર છે તું, ઝાલરી છું હું

નથી આ પાર કે તે પાર, તો ક્યાં છું?

પળેપળ આ વલયમાં વિસ્તરી છું હું 

અલા, મારી નજર ઉતારજે ક્યારેક

તું ઘરનો મોભ હોઇશ, પણ ધરી છું હું!

મેં મારો વ્યાપ ખુદ આંક્યો છે એ રીતે 

પ્રથમ પત્ની, પછી મા.. આખરી – છું ‘હું’..

– રાજુલ ભાનુશાળી

આખી ગઝલમાં પ્રસન્ન દાંપત્યનો, સ્ત્રીના પ્રેમનો અને એના સ્વાભિમાનનો ભાવ વહે છે. ક્યાંય આયાસ વર્તાતો નથી. સામાન્ય રીતે આવી વાતોને ‘સુવાક્યો’માં સ્થાન દઈને ભૂલી જવામાં આવે છે… પણ ખરેખર તો આ મુદ્દો જ સ્વસ્થ સમાજનો પાયો છે. દરેક જગ્યાએ દરેક સંબંધોમાં જ્યારે સમતુલા બગડે છે અને બધી જ સમસ્યાઓ સર્જાય છે. જ્યાં બેય પલ્લાને સરખા મૂકવામાં આવે, સમજવામાં આવે તો પછી સ્ત્રી સશક્તિકરણની વાત કરવી જ ન પડે. સ્ત્રી શક્તિશાળી છે જ એ વાત આયાસપૂર્વક ભૂલી જવામાં સમાજે ઘોર પાપ કર્યું છે.  

કેવી સરસ રીતે કવિ કહી દે છે !

અલા, મારી નજર ઉતારજે ક્યારેક ; તું ઘરનો મોભ હોઇશ, પણ ધરી છું હું!

25.5.21

Aarti Rajpopat

28-05-2021

ખૂબ સુંદર ગઝલ
છેલ્લો શેર ??

સુરેશ જાની

26-05-2021

‘સખી! એવા માણસને કોણ ઓળખે છે? ‘
સામાન્ય માણસની ઓળખની એ કવિતા યાદ આવી ગઈ. ( કવિનું નામ યાદ નથી. )

હેતલ રાવ

25-05-2021

લતાબેન, કાવ્યવિશ્વ માટે ખૂબ ખૂબ આભાર. મારા જેવા ભાવકો, સાધકો અને ચાહકો માટે એકદમ હાથવગું સાધન. ભિન્ન વિભાગો દ્વારા પીરસાતું જ્ઞાન, આસ્વાદ અનેરો આનંદ અને સંતોષ આપે છે. એક કરતાં વધુ ભાષાઓમાં નિત્યનવી કવિતાની મોજની સફર માટે ધન્યવાદ?

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

25-05-2021

કવિયત્રી રાજુલ ની આ ગઝલ ખૂબ જ સરસ રીતે સ્વાભિમાન અને ફરજને રજૂ કરે છે. પ્રસન્ન દામ્પત્ય જવનની એ રીતે ચાવી બતાવી દીધી છે. અભિનંદન.

લાલજી કાનપરિયા

25-05-2021

ખૂબ સરસ… મજા પડે એવી રચનાઓ. અભિનંદન.

હસમુખ અબોટી

25-05-2021

220મો મણકો અતિ ઉત્તમ અને સફળ. ૨૨૦ ડગલા ભરવાની હિંમત કાબિલેદાદ છે.

ભીખુભાઇ કવિ

25-05-2021

કવિતા માણવા ની ખૂબ મજા આવે છે

Keshav suthar

25-05-2021

અલા, મારી નજર ઉતારજે ક્યારેક,
તું ઘરનો મોભ હોઈશ, પણ ધરી છું હું!
વાહ…! ખૂબ સુંદર રચના છે. સ્ત્રી ઘરની શોભા છે, આબરૂ છે. ઘર ત્યારે જ ઘર કહેવાય જ્યાં સ્ત્રીનો વસવાટ હોય, બાકી ભાડે લીધેલા મકાનથી વિશેષ કશું જ નથી! સ્ત્રીના મહત્વને દર્શાવતી કાવ્ય(ગઝલ) છે.
– કેશવ સુથાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: