હર્ષદ ચંદારાણા ~ ગરજતા મેઘ

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,
નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.

હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,
થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે.

પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,
પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે.

મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.

અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.

– હર્ષદ ચંદારાણા

કવિ હર્ષદ ચંદારાણાનો આજે જન્મદિન. ઋતુ વર્ષાની એટલે આજે એમની જ સરસ ગઝલ. ગરજતા મેઘમાં દેખાતા  કવિવર ટાગોરથી શરૂ થતી ગઝલ જળનું રૂપ લઈને આવેલા ઠાકોરથી પૂરી થાય છે એમાં કવિત્વ તો ખરું જ ખરું પણ અદભૂત સુંદરતા પણ ખરી…. વાદળની પીંછી અડકતા જ નભ વ્હાલનો કાગળ બની જાય એવી કવિતા શોધવી જ પડે. પવન, વાદળ, વરસાદ, વીજ અને પ્રકૃતિના તમામ તત્વો, તમે કવિને ગાતા જ રાખજો… એ વગર આ વિશ્વમાં ભીનાશ ને કુમાશ કોણ વાવશે ?

26.7.21

***

છબીલભાઈ ત્રિવેદી

28-06-2021

કાવ્યવિશ્વનું કાવ્ય હર્ષદભાઈ ચંદારાણાનુ. ખુબ જ સમયોચિત. તેમના જન્મદિવસની શુભકામના. કાવ્ય ખુબજ સરસ અને આપના દ્નારા આપેલો કાવ્ય સાર પણ એટલોજ સરસ આભાર લતાબેન

પુરુષોત્તમ મેવાડા, સાજ

27-06-2021

ખૂબ સરસ વરસાદી ગઝલ, કાળીયા ઠાકોર સુધી પહોંચે છે.

Chandrakant Dhal

26-06-2021

લતાબહેનને કાવ્યવિશ્વના ૨૫૦ દિવસ પૂર્ણ કરવા બદલ ખુબ અભિનંદન. હવે જલ્દી આ આંકડો ૩૬૫ માં પરિવર્તિત થાય અને તેનો ગુણોત્તર થતો રહે એવી શુભેચ્છા.

Pranav

26-06-2021

સરસ મને ગાતો કરી દેવા??

સિકંદર મુલતાની

26-06-2021

વાહ..
‘અમે ઓવારણાં લીધાં, હ્રદયમાં બેસણાં દીધાં,
અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે!’
વાહ ક્યા બાત હય..!
કવિને જન્મદિવસની બધાઈ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: