કનૈયાલાલ ભટ્ટ ~ મા

એ પછી ના વારતા મેં સાંભળી મા યાદ આવે

એ પછી ના એકપણ ક્ષણ ઝળહળી મા યાદ આવે.

જ્યારથી હું ગામડું, કૂવો, નદી, ઘર છોડી ચાલ્યો

લાગણી ઓછી, વધુ પીડા મળી, મા યાદ આવે.

એટલે ફળિયું હજી જાગે ને મૂંગો ઓરડો છે

દીકરી ઘર બહાર જાવા નીકળી, મા યાદ આવે.

હૂંફ, સપનાં, વારતા, ચોપાઈ, હાલરડાં ને સ્પર્શો

ખાલીપાની કોણ પકડે આંગળી ? મા યાદ આવે.

પ્રેમ સાચો પામવા માનેય તરછોડી ‘તી ત્યારે

જિંદગી પણ સાવ બોગસ નીકળી, મા યાદ આવે.

એ ક્ષણો મેં સાચવીને રાખી, જ્યારે ઠેસ વાગી

રાતભર વરસી હતી બે વાદળી, મા યાદ આવે.

જિંદગીભર એટલે ઈશ્વર મને મળતો રહ્યો ખુદ

મા કને બેસી વગાડી વાંસળી, મા યાદ આવે.

– કનૈયાલાલ ભટ્ટ

કવિના કાવ્યસંગ્રહ ‘મંત્રોચ્ચાર’માં કવિ ચીનુ મોદી લખે છે – ‘‘કનૈયાલાલ ભટ્ટ એક તરવરિયો તોખાર એવો સુ-ભટ્ટ. સાહિત્યના અનેકવિધ સ્વરૂપોનું લેખન ઉપરાંત અભિનય, સંગીત, દિગ્દર્શન ઇત્યાદિ કળાકીય પ્રવૃતિઓમાં ચિત્ત પરોવીને ગાંધીનગરમાં બેઠેલો છે. મૂળગત એ કવિતાનો જીવ. ગીત એને આપે છે અપરંપાર સુખ. ગીત એના સર્જકત્વનું મૂળ છે. એક દિવસ એ ગીતને રમેશ, અનિલ, માધવ અને વિનોદથી જૂદું લખી આપશે. ગઝલ એને ગમે છે. અહીં આ કવિએ ગીત કરતાં ગઝલનું ખેડાણ વિશેષ કર્યું છે. આધ્હુનિક પ્રવાહનો નિર્વાહ એમની ગઝલોમાં જોઈ શકાય છે. અછાંદસમાં પણ એની સંવેદનાનો લય અનુભવાય છે.

‘કાવ્યવિશ્વ’માં કવિનું સ્વાગત છે, કાવ્યસંગ્રહ ‘મંત્રોચ્ચાર’ સહ.

16.7.21

***

દિનેશ ડોંગરે નાદાન

21-07-2021

મા વિશે ઘણા સર્જકોએ અદભૂત લખ્યું છે અને હજી પણ લખાતું રહેશે. ભટ્ટ સાહેબ એમાં ઉમેરાયા એનો આનંદ. લતાબેન સરસ કામ કરી રહ્યાં છો અભિનંદન આપને પણ

છબીલભાઈ ત્રિવેદી

18-07-2021

આજનુ કાવ્ય કનૈયાલાલ ભટ્ટ સાહેબ નુ ખુબજ ગમ્યું મા યાદ આવે મા તો ડગલે ને પગલે યાદ આવે આપે કવિ અને કાવ્ય વિશે આપેલ માહિતી પણ ખુબજ માણવા લાયક ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સિકંદર મુલતાની

16-07-2021

વાહ..’ચિંતક’
બહોતખૂબ..??

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

16-07-2021

ક. ભટ્ટની આ ગઝલ માની ચેતનાના સર્વે આયામો સર કરે છે. વાહ, ‘મા તે. મા બીજા વગડાના વા.’

Sarla Sutaria

16-07-2021

ખરે જ મા વિના સૂનો સંસાર. પ્રસંગે પ્રસંગે મા યાદ આવે જ. મજાની ગઝલ.

Vivek Tailor

16-07-2021

સરસ

રદીફ મા યાદ આવે કરતાં યાદ આવી હોય તો વધુ ઉચિત લાગે

રેખાબેન ભટ્ટ

16-07-2021

અમારા ગાંધીનગરના કનૈયાલાલ ભટ્ટ ની ‘મા યાદ આવે ‘ રચના ખૂબ સુંદર.મા વિષે ઘણાં સુંદર કાવ્યો, ઘણા પ્રતિષ્ઠિત કવિઓ સહિતનાં વાંચવામાં આવ્યાં છે, તેમાંયે આ કાવ્યની સંવેદના સ્પર્શી જાય છે.
“મા કને બેસી વગાડી વાંસળી “….. ? અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: