હર્ષદ ત્રિવેદી ~ ફરી મલકાવતાં
ફરી મલકાવતાં આંગણ ઘણી તકલીફ લાગે છે
ફરીને બાંધતા તોરણ ઘણી તકલીફ લાગે છે.
પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યો’તો
હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે.
સદા કરતા હતા જે મોરલા ગ્હેકાટ વણથંભ્યા
હવે બોલી શકે છે પણ ઘણી તકલીફ લાગે છે.
નથી ઉલ્લાસ આંખોનો નથી આધાર હૈયાનો
હવે કરતાં નવું કામણ ઘણી તકલીફ લાગે છે.
હજુ ખનખન અવાજો ઓરડે પોઢ્યા નથી ત્યાં તો –
ફરીથી પ્હેરતાં કંકણ ઘણી તકલીફ લાગે છે.
સ્મરણના મ્હેલના જલતા બધા દીપક બુઝાવીને
શરમથી ઢાળતાં પાંપણ ઘણી તકલીફ લાગે છે.
– હર્ષદ ત્રિવેદી
કવિ અને વાર્તાકાર શ્રી હર્ષદ ત્રિવેદીની આ ગઝલ ઓછા સ્પર્શાયેલા, એક જુદા જ વિષયને લઇને આવી છે. પૂરી સામાજિક નિસબત સાથેનો, આ વિષય છે એક યુવાન વિધવાના વિવાહનો. અલબત્ત માધ્યમ કવિતાનું છે, સંવેદનાનું છે એટલે અહીં વિધવા સ્ત્રીની સંવેદના એટલી સચોટ રીતે રજૂ થઇ છે કે કવિનો પરકાયા પ્રવેશ અનુભવાય.
ગઝલનો રદીફ ‘ઘણી તકલીફ લાગે છે’ ખૂબ સુચક છે. પહેલીવાર જે થયું એ આપોઆપ અને ઉમંગથી થયું છે. હવે બીજીવાર એ જ સ્થિતિમાંથી પસાર થવું કેટલું અઘરું છે !
17.7.21
***
છબીલભાઈ ત્રિવેદી
18-07-2021
આજનુ હર્ષદભાઈ ત્રિવેદી નુ કાવ્ય ખુબજ સરસ ખુબ સંવેદનશીલ વિષય ઉપર નુ અદભુત કાવ્ય અને અેટલોજ આપે આપેલો કાવ્ય સાર પણ ખુબજ અદભુત ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Sarla Sutaria
18-07-2021
સુંદર ગઝલનો સુંદર પરિચય… રોજિંદા જીવનમાં આવતી પળોને બખૂબી પરોવી શબદની માળામાં ???
સિકંદર મુલતાની
17-07-2021
બહેતરીન ગઝલ..
લતાબહેન..
આપે ઓછાં શબ્દોમાં ગઝલને સરસ રીતે ઉઘાડી આપી..!!
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
17-07-2021
જે વેદનાને હ્રદયમાં જ ઢબોળી હોય એને બખૂબી કવિ શ્રી એ રજૂ કરી છે.
પ્રતિભાવો