પંકજ વખારિયા : ધરતીમાં ઊંડે

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે

આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે

ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે

સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે

દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે – પંકજ વખારિયા

પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!

– વિવેક ટેલર

8.9.21

*****

આભાર આપનો

15-09-2021

આભાર લલિતભાઈ અને સરલાબેન

લલિત ત્રિવેદી

14-09-2021

સરસ ગઝલ

Sarla Sutaria

11-09-2021

ઉઠો જાગો પર્યાવરણનું જતન કરો કહેતી માનવજાતને સચેત કરતી ગઝલ…

આભાર આપનો

11-09-2021

આભાર આપનો

છબીલભાઈ, મેવાડાજી, વારિજભાઈ અને મયૂરભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

11-09-2021

આજની પંકજ વખારીયા ની અદભૂત રચના વિવેક ટેલર સાહેબે ખુબજ સાચુ કહ્યુ છે અેક એક થી ચડીયાતા શેર કેટલી ઉત્તમ રચના માણવા મળે છે તે કાવ્યવિશ્ર્વ ની સફળતા છે

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

08-09-2021

ખૂબજ સરસ માર્મિક ગઝલ, વિવેકભાઈના આસ્વાદિક વિચાર સાથે સહમત છું.

Varij Luhar

08-09-2021

વૃક્ષની મહત્તા દર્શાવતી સુંદર ગઝલ

મયૂર કોલડિયા

08-09-2021

ખૂબ સરસ ગમતી ગઝલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: