મીનપિયાસી ~ આહાહાહા શી ટાઢ!

આહાહાહા શી ટાઢ!

જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ,

આહાહાહા શી ટાઢ!

ગોદડીયુંની વચ્ચે ગરતી, કરતી કૈંક અડપલાં,

પચાસ હેઠે પારો જાતાં, પહેરું ડબ્બલ કપડાં.

ટાઢ કહે કે ‘ હુંય ઠરુ છું, બહાર મને કા કાઢ?’

આહાહાહા શી ટાઢ!

શગડી ફરતા શીતળતાના કોટ ચણાયે જાતા,

ચૂલા પાસે દાતણ કરતાં, કૈંક વળે છે શાતા.

ત્યાં તો સુસવે સમીર જાણે, પેટે ઊપડી વાઢ.

આહાહાહા શી ટાઢ!

‘વહેલા ઊઠવું કસરત કરવી, તેલ ચોળવું’ કહેતાં

મુરબ્બીઓને મોજ પડે છે, રોજ શીખામણ દેતાં 

મને ગમે છે મોડે સુધી નીંદર કરવી ગાઢ.

આહાહાહા શી ટાઢ!

~ મીનપીયાસી  (સૌજન્ય : દિવ્યાંગ શુક્લ) 

આહાહાહા … કવિતા વાંચતાં જ જાણે ગરમી આવી જાય… અલબત્ત ‘પચાસ નીચે પારો જાતાં’ એ જરા સમજાયું નહીં ! બાકી અત્યારની પરિભાષા પ્રમાણે ‘પંદર નીચે પારો જાતાં’ કહેવું પડે !

જો કે અમે તો ઋષિકેશની ટાઢ માણી ગઇકાલે જ આવ્યા એટલે અમદાવાદ હૂંફાળું લાગે હો !

23.12.21

***

Arjunsinh Raoulji

24-12-2021

વાહ વાહ શી ટાઢ અને શી કવિતા …! કવિતા વાંચતાં જ શરીરમાં કોણજાણે ક્યાંથી ગરમાવો આવી ગયો ..! અફલાતૂન કવિતા …મીનપીયાસી સરને હાર્દિક અભિનંદન

લલિત ત્રિવેદી

23-12-2021

આદરણીય પક્ષિવિદ કવિશ્રીની અદભુત કવિતા…. કબૂતરો નું ઘૂ ઘૂ…. ઘૂ… કયો વિદ્યાર્થી ભૂલે?

સાજ મેવાડા

23-12-2021

ખૂબજ સરસ ગીત અત્યારે એનો અનુભવ શબ્દે શબ્દે થાય છે.
૫૦ ની વાત ફેરનહિત તાપમાનની ગણતરીમાં હશે. પહેલાં ડેસિમલ સિસ્ટીમ આવતાં પહેલાં વપરાતી હતી.

છબીલભાઈ ત્રિવેદી

23-12-2021

આજની મીન પીયાસી ની રચના ખુબ સમયોચિત શિયાળા ની ઠંડી વિષે ખુબ સરસ કાવ્ય કવિ નુ ગણિત કયારેક અટપટુ લાગે છે પણ તેનો મર્મ તો કોઈ ક માલમી જ આપી શકે ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: