સંસ્કૃતિરાણી દેસાઇ ~ હું જેવી

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે,
તે આખો આકાર લઇ ઊભી થઇ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું છું તો,
તેનું આકર્ષક રૂપ લઇ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોના ઇશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું છું તો,
પાંચસાતની ટોળી ઊભી થઇ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું તેને પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઇ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં,
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

સંસ્કૃતિરાણી દેસાઇ 

કવિતાનું અર્થઘટન ભાવકે ભાવકે અલગ અલગ હોઇ શકે. ક્યારેક કવિને પોતાને પણ લખ્યા પછી એમાં જુદો અર્થ ભળાય એવું બને ! પોતાની અંદર ઘૂમરી ખાતા વિચારો કાગળ પર ઉતારી હાશ પામવા કવિ કવિતા લખે છે કે વાર્તાકાર વાર્તા રચે છે. ક્યારેક કોરા કાગળનો સામનો કરવો અઘરો લાગે અને એ વિચારથી ગભરામણ ઉપજે એવું બને…. પણ કલાના/શબ્દના સ્વરૂપો ઘણા… આકર્ષે, હળવા કરે કે ડરાવેય ખરા……

22.12.21

આભાર મિત્રો

25-12-2021

ખૂબ ખૂબ આભાર કવિ લલિત ત્રિવેદી, કવિ મેવાડાજી, કીર્તિચંદ્રજી અને છબીલભાઈ…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ કાવ્યપ્રેમી મિત્રોનો આભાર.

લલિત ત્રિવેદી

23-12-2021

સરસ કાવ્ય… સંસ્કૃતિ રાણી બેનની સરસ કવિતા… અનેક વાર માણી પણ છે

છબિલભાઈ ત્રિવેદી

22-12-2021

આજની સંસ્કૃતિ રાણી દેસાઈની રચના ખુબ સરસ કાવ્ય અને વાર્તા હોય કે કોઈ પણ સાહિત્ય જયારે વાંચો ત્યારે તેના અર્થો જુદા જ લાગે પણ જેમ જેમ સમજણ આવતી જાય ત્યારે અર્થો સ્પષ્ટ થઇ જતા હોય છે આપણુ માનવતા નુ મહા કાવ્ય રામાયણ પણ નિત નવિનજ લાગે છે અેટલે જ કદાચ આદિકાળ થી આજ સુધી તે વંચાય છે ખુબ ખુબ અભિનંદન.

સાજ મેવાડા

22-12-2021

કવિતા જ્યારે કવિના માથા ઉપર તકાજો કરે ત્યારે આવું થાય. સરસ અભિવ્યક્તી.

કીર્તિચંદ્ર શાહ

22-12-2021

સંસ્કૃતિરાણીની કવિતા અને તમારા શબ્દો – કલા, કવિતાના ઘણા સ્વરુપો… આહ્લાદક છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: