બારીન મહેતા ~ એ કવિઓનું શું?

એ કવિઓનું શું

જેમની પાસે

ધૂળધોયા શબ્દોનું આકાશ હોય છે.

જેમના અવાજમાંની

માટીની સોડમમાં

આકાશ પોતાનું અસ્તિત્વ શોધે છે.

જેમના શબ્દોમાં

ઊગતી ફસલ ઉપર

ગગન વરસી પડે છે.

જેમના દિમાગમાં

દરેક રાતે

નવી સવારનું સ્વપ્ન જાગતું હોય છે.

જેમની જિંદગીમાંના

સંઘર્ષ, વિદ્રોહ, સચ્ચાઈની કસક

અન્યોને જીવનની હૂંફ આપે છે.

જેમના મૃત્યુની જ્યોત

ન લખાયેલી કવિતાના આત્માની જેમ

સહુને અરીસો ધરે છે…. ~ બારીન મહેતા 

આ કવિતા ઊગતી ફસલમાં ઊઘડે છે અને માટીની સોડમમાં મહેકે છે. જઠરમાં હળવે હળવે હોલવાતો અગ્નિ એની અથક કવિતા છે….  એ શબ્દોની નહીં, જીવાતા જીવનની કવિતા છે. એના સંતોષના શ્વાસથી ભરાતું આકાશ એક અનંત કવિતા બની જાય છે… પણ અન્નદાતા જીવન ઉગાડવા સિવાય બીજી કરામત જાણતો નથી, આંખો એની કાં ધરતી પર કાં આકાશે બાઝેલી હોય છે એટલે એના કુમળા કાન ઘડીક આમ કે ઘડીક તેમ ફંટાઈ જાય છે, એમાં એ દુભાય પણ છે અને પથરાય છે પીડાની કવિતા… આ તમામ શ્રમજીવીઓની વૈશ્વિક સમસ્યા છે….

ખાસ નોંધ : કવિતા માટેનું આ મારું અર્થઘટન હતું. ખેડૂત આંદોલન વખતે આ કવિતા વાંચેલી. કવિતામાં વપરાયેલા પ્રતીકો અને એ વાતાવરણની અસર મારા પર હોઇ શકે. કવિતાની ખૂબી એ જ છે કે એ લખાયા પછી ભાવકની થઈ જાય છે. કવિ શ્રી બારીન મહેતાનું કહેવું છે કે આ કવિતા કવિ માટે જ છે. એમાં ખેડૂતની વાત નથી. કવિની વાત સાથે સમ્મત જ હોઈએ.  

4.1.22

***

આભાર

05-01-2022

આભાર સંજયભાઇ, મેવાડાજી, અર્જુનસિંહ, વારિજભાઈ અને છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

05-01-2022

આજની બારીન મહેતા ની રચના ખુબ સરસ માટી અને ઉગતી ફસલ ની, વાત હ્રદય સ્પર્શી છે બધા શેર મજા ના નિત નવા નવા કાવ્યનો ખજાનો કાવ્યવિશ્ર્વ મા માણવા મળે છે તે આનંદ ની વાતછે ખુબ ખુબ અભિનંદન.

Varij Luhar

05-01-2022

એ કવિઓનું શું ? વાહ ખૂબ સરસ કાવ્ય

અર્જુનસિંહ.કે. રાઉલજી

05-01-2022

બારીન મહેતા સાહેબની આ અછાંદસ રચના પણ એક ન લખાયેલી કવિતાના આત્માની જેમ માટીની સોડમમાં મહેંકે છે. અભિનંદન સર

સાજ મેવાડા

04-01-2022

કવિતાને સમજવામાં આપે કરેલો આસ્વાદિક ઉઘાડ ગમ્યો.

Sanjay Pandya

04-01-2022

હૃદયસ્પર્શી કવિતા .. વાહ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: