હરીશ મીનાશ્રુ ~ જોડણીનો બંધકોશ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ

ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી

હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું?

જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા

ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?

ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં

એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું

~ હરીશ મીનાશ્રુ

ઘડીભર આ કટાક્ષકાવ્ય ચહેરા પર સ્મિત લાવી દે પણ એ પછીની ઘડીએ ભાષાપ્રેમીના મનમાં સબાક સણકો ઊઠે… ગુજરાતી પ્રજા આમેય પોતાની માતૃભાષા માટે બેદરકાર અને બેકદર છે… ને હવે ઈંગ્લીશ મીડિયમે તો દાટ વાળ્યો છે. કવિ અહીં જોડણીનું રડે છે અને હાલત ત્યાં સુધી પહોંચી છે કે હવે ગુજરાતી બચ્ચા ‘બર્ડ’નું ગુજરાતી બેશરમ થઈ પૂછી શકે છે, અલબત્ત એમાં બચ્ચાનો ક્યાં કોઈ વાંક છે ? જ્યાં મમ્મી જ કહેતી હોય, “એ સ્વીટુ, લેટ થઈ જઈશ. જો કેટલો સન ઊગી ગયો !” ત્યારે હૈયામાં ધ્રુબાંગ ધ્રાસકા પડે છે ! ક્યાં ‘સૂરજદાદા’ની સંવેદના ને ક્યાં ‘સન’ જેવો સુકાયેલ શબ્દ ! આખી સોસાયટીમાં 38 ઘર ગુજરાતીઓના હોય અને બે ઘર બીજા રાજ્યમાંથી આવેલાના હોય તો એ બે કુટુંબો ગુજરાતીમાં નહીં બોલે પણ આડત્રીસે ઘરના લોકો આવડે એવી હિંદીમાં ખપાવશે !

કવિ હરીશ મીનાશ્રુ એમના નોખા તરી આવતા ભાષાપ્રયોગો અને વિષયવૈવિધ્ય માટે જાણીતા છે. બાળકને અંગ્રેજી સ્પેલિંગ ગોખાવ્યા કરતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી માટે કેવી આડેધડ વર્તે છે એ માટે કવિનો આક્રોશ અહીં ઠલવાયો છે… અલબત્ત એમના અનોખા અંદાજમાં…  

2016માં પ્રગટ થયેલ કવિના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ને 2020નું સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે, એ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પ્રજા માટે ગૌરવની વાત છે.  

3.1.22

***

છબીલભાઈ ત્રિવેદી

05-01-2022

આજના કાવ્યવિશ્ર્વ મા હરીશ મિનાશ્રુ સાહેબ નુ કાવ્ય ખરેખર અત્યાર ની વરવી વાસ્તવિકતા દર્શાવે છે જોડણી તો દુર ની વાતછે પણ સાચુ ગુજરાતી બોલવા ના પણ વાંધા છે પહેલા ના જુના શિક્ષકો બોલે તો પણ ખ્યાલ આવી જતો કે હસ્વ ઈછે કે દિર્ધ અત્યારે આંધળુ અનુકરણ અને દેખાદેખી મા બાળક ની દશા ન ઘર ની કે ન ઘાટ ની થઇ ગઇ છે કવિ શ્રી નો કટાક્ષ વ્યાજબી છે ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

04-01-2022

આદરણીય હરીશ મીનાશ્રુ ની કવિતાનો આક્રોશ આપણા સૌનો બને છે. હવે ભાષાને શુધ્ધ રીતે પ્રયોજવી બધાને માટે અઘારું એટલા માટે પણ બને છે કે આપણે કોંપ્યુટર અને મોબાઇલ વગર કશું કરી શકતા નથી અને ઈંગ્લીશનું જ્ઞાન જરુરી હોવાથી એવા શાબ્દો અનાયાશે જ આવી જાય છે, અથવા એ શબ્દોનું ભાષાંતર કઢંગું થાય છે.

Sanjay Pandya

04-01-2022

મુ.હરીશભાઈની નોખી શૈલી અને નોખા અંદાજ એ બયાન છે. ચોટદાર રચના !

Mayurika Leuva

03-01-2022

મીનાશ્રુસાહેબની નોખી શૈલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: