વિપિન પરીખ ~ મને મારી ભાષા * Vipin Parikh

મને મારી ભાષા ~ વિપિન પરીખ  

મને મારી ભાષા ગમે છે

કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો 

છેક પાંચમા ધોરણમાં. 

તે દિવસે ખૂબ રોફથી

વાઘ માર્યો હોય એમ

મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી

બા ત્યારે સહેજ હસેલી – 

કારણ બા

એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી !

બા સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી 

અને રાત્રે પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી !

બા નવી નવી ‘ડિશ’ શીખવા

cooking classમાં ગઈ નહોતી

છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર

એ થાળીમાં જે મૂકતી

તે બધું જ અમૃત બની જતું !

મને મારી ભાષા ગમે છે,

કારણ મને મારી બા ગમે છે.

~ વિપીન પરીખ

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. અછાંદસ કાવ્યોના મહારથી એવા કવિ વિપિન પરીખનું આ કાવ્ય – શબ્દો એટલા સરળ અને હૃદયસ્પર્શી છે કે એને ભાવથી વંદન કરી શકાય… એ સિવાય કશું નહીં…  

OP 21.2.22

***

Varij Luhar

22-02-2022

મને મારી ભાષા ગમે છે…
જય ગુર્જરી

છબીલભાઈ ત્રિવેદી

22-02-2022

આજે વિશ્ર્વ માત્રુભાષા દિવસ ના દિવસે વિપીનપરીખ ની રચના ખુબ સરસ માત્રુભાષા તોઆપણી માં સમાન છે ખુબ સરસ રચના આભાર

Dipti Vachhrajani

21-02-2022

હૃદય સોંસરવી ઉતરે તેવી જોરદાર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: