હરીશ મીનાશ્રુ ~ બજારમાંથી

બજારમાંથી ~ હરીશ મીનાશ્રુ

બજારમાંથી કંઇ લાવવાનું છે કે ?

હું આંગણામાં ઊભો ઊભો

મોરની ગરદન પર મફલર વીંટાળું છું.

ત્યાં

અચાનક

અગાસીની પાળીથી

પરંપરિત ઝૂલણામાં ગૃહિણી લહેરાવે છે

તડકીછાંયડીની ભાતવાળું

હમણાં જ નીચોવેલું આમળા ચડેલું લહેરિયું

ને એવા તો જોરથી છટકોરે છે

કે ફર ફર ફર

મસ્તક પર ગાલ પર પાંપણ પર નાસિકા પર હોઠ પર

છંટાય છે લટકચમેલીના લટકાં લાખ કરોડ….

હું નહોતો જાણતો કે

માગશર મહિનાનો આ પવન પણ

મફલર જેટલો જ ગળેપડુ હશે….   

~ હરીશ મીનાશ્રુ

સ્ત્રી હોવાના કારણે આવી વાતો સ્પર્શે એ સાચું પણ જુઓ ને ! રોજબરોજની સાવ સામાન્ય વાતમાંથી કેવું કાવ્ય નીપજાવી દીધું છે ! એ કમાલ તો સૌને સ્પર્શે ! મોરની ગરદનથી માંડીને કપડાં નીચોવતાં ઊડેલા છાંટાનેય આવા રંગીન બનાવવાનું કામ સલામ માગે જ વળી !

OP 10.3.22

***

છબીલભાઈ ત્રિવેદી

10-03-2022

હરિશ મિનાશ્રુ નુ કાવ્ય ખુબજ ગમ્યું કવિ ની કલ્પના નો કોણ પાર પામી શકે મોર ની ડોકે મફલર તો કવિ જ વિટાળી શકે ખુબ ખુબ અભિનંદન

પ્રફુલ્લ પંડ્યા

10-03-2022

કવિશ્રી હરીશ મીનાશ્રુનુ઼ં કાવ્યપઠન સાંભળ્યું.એક જુદો જ અનુભવ થયો.” બનારસ ડાયરી” એ તો કમાલ કરી ! કવિતાની સાથે સાથે કબીરને સાક્ષાત કરી આપ્યાં.આખા બનારસની ખુશ્બુ દિલો- દિમાગમાં પ્રસરી ગઈ.અન્ય કાવ્યો પણ એટલાં જ ઉત્તમ અને અનેક રીતે વિશિષ્ટ ! સર્જકને સંગ આનંદનો મહાસાગર છલકાયો,લહેરાયો ! હરીશભાઈને હાર્દિક અભિનંદન અને ” કાવ્ય વિશ્વ” ને વંદન !

રેખાબેન ભટ્ટ

10-03-2022

આખું વાતાવરણ રંગીન…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: