શૂન્ય પાલનપુરી ~ પરિચય છે

પરિચય છે મંદિરમાં ~ શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

~ શૂન્ય પાલનપુરી

OP 17.3.22

કાવ્ય : શૂન્ય પાલનપુરી સ્વર-સંગીત : મનહર ઉધાસ

***

સાજ મેવાડા

17-03-2022

પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

આ તો શાયરનો સીગ્નેચર શૅર છે.

છબીલભાઈ ત્રિવેદી

17-03-2022

મનહર ઉદાસ ના કંઠે ગવાયેલી શુન્યપાલનપુરી ની ખુબજાણીતી રચના પરિચય છે મંદિર મા,,,, ખુબ ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: