કુલદીપ કારીયા ~ ઝાકળ વચ્ચે
રોજ સવારે તારું ગાવું ~ કુલદીપ કારીયા
રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે,
એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે.
એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઇ તેં સ્મિત કર્યું ને
ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ?
મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને
સરનામું જો તારું પૂછે, હું કહી દઉં કે ઝાકળ વચ્ચે.
મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?
ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.
~ કુલદીપ કારિયા ‘સારસ’
‘ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ?’ વાહ કવિ ! આ કાવ્ય વાંચીને મનમાં જરૂર વસંત મહોરી જાય !
કાવ્યસંગ્રહ : ‘ભીંત ખખડાવી તો ખૂલી’ કાવ્યવિશ્વના આંગણે કવિનું સ્વાગત છે.
OP 17.3.22
***
સાજ મેવાડા
17-03-2022
ખૂબ સરસ ગઝલ, અભિવ્યક્તિ.
છબીલભાઈ ત્રિવેદી
17-03-2022
આજનુ કુલદીપ કારીયા નુ કાવ્ય ખુબજ સુન્દર તાજગી સભર શેર સ્વાગત છે યુવા કવિ ઓનુ ખૂબ ખૂબ અભિનંદન
પ્રતિભાવો