આદિલ મન્સૂરી ~ નદીની રેતમાં * Aadil Mansuri 

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આદિલ મન્સૂરી (જ. 18.5.1936 અ. 6.11.2008)

મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. આદિલ મન્સૂરી નામે કવિતા કરી. પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પાછા ફર્યા ત્યારે ખબર પડી કે હવે તેમની પાસે ભારતની નાગરિકતા નથી ! વીસ વર્ષ સુધી આ અંગે કેસ કોર્ટમાં ચાલ્યો. અંતે એવી પરિસ્થિતી ઊભી થઈ કે સરકાર એમને પકડીને પાકિસ્તાન મોકલી દેશે. બીજી બાજુ એવું બન્યું કે પાકિસ્તાનમાં એમનો પાસપોર્ટ સમયસર રિન્યુ ન થવાને કારણે ધરપકડની પરિસ્થિતી ઊભી થઈ ! અને આદિલજીએ પીડાથી છલકાતા હૃદયે આ ગઝલ રચી. આશ્ચર્યની સીમા તો ત્યાં આવે છે કે આ ગઝલે એમને એમની ભારતની નાગરિકતા પાછી અપાવી !

હૈયાના બળબળતા તાપ અને કાળજું કોરી નાખતી પીડા આ ગઝલમાં ભરી છે. સાંભળો ગાયક અને સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ! 

OP 18.5.22

કાવ્ય : આદિલ મન્સૂરી  સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

આભાર

21-05-2022

આભાર વિવેકભાઈ, છબીલભાઈ અને મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

20-05-2022

આવી સંવેદનાને અદ્લ રજૂકરીને કવિશ્રીએ ઘણા વિસ્થાપીતોની વેદનાને વાચા આપી છે.

વિવેક મનહર ટેલર

18-05-2022

ક્લાસિક…

છબીલભાઈ ત્રિવેદી

18-05-2022

આદિલ મનસૂરી ની ખુબજ જાણીતી રચના નદી ની રેત વતન નો જુરાપો અને તેમાથી ઉભી થતી પીડા ખુબ સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: