મધુમતી મહેતા ~ અહીંયા બેસી * Madhumati Maheta

અહીંયા બેસી મારી મધુમતી મહેતા

અહીંયા બેસી મારી વાટ્યું જોતા રે’જો એમ કહ્યું’તું
ચોરે જઇને હૌની પિંજણ કરતા રે’જો એમ કહ્યું’તું ?

ડાબા ગાલે લાફો ખાઇને જમણો ધરવો ઇ સાચું પણ
કાયમ ખાતે ધોલ ધપાટું ખાતા રે’જો એમ કહ્યું’તું ?

ડાઘાડૂઘી તનમન કે કપડાં પર પડવા દેતા નહિ પણ
ધોબી ઘાટે મેલા લૂગડાં ધોતાં રે’જો એમ કહ્યું’તું ?

મંદિરમાં ભૈ દુહા ભજનો ગઇએ એમાં ક્યાં વાંધો છે ?
પટીયાં પાડી ફિલ્મી ગાણાં ગાતા રે’જો એમ કહ્યું’તું ?

પૈ પૈસો ધર્માદે નાખો તે નાખોને ક્યાં બંધી છે ?
દાતાના દીકરા થૈ હંધુય ખોતા રે’જો એમ કહ્યું’તું ?

એમ હતું કે આજ નહીં તો કાલે પણ બે પૈસે થાશું
આમ જ પૂરો ભવ મે’તાના મે’તા રે’જો એમ કહ્યું’તું ?

~ મધુમતી મહેતા

નવા નવા પ્રેમમાં પડેલાઓ કે પ્રેમમાં ભૂસ્કો મારેલાઓ કે પછી હજી રોમાંસના ઘોડા જેમના ઘટમાં થનગને છે એમણે આ ગઝલ વાંચવાની જરૂર નથી.. વંચાઇ જાય તો ભાઇ, તરત ડિલિટ કરી નાખવું પણ પરણીને જૂનો થઇ ચુકેલો એક મસમોટો વર્ગ આ ગઝલને પૂરા દિલથી માણશે એમાં કોઇ શંકા નથી, કેમ કે આમાં ‘લાગુ પડતું રાખવું ને બાકીનું છેકી નાખવું’ એ નિયમનો ઉપયોગ કરવાનો છે. દામ્પત્યજીવન જ્યારે ઘરેડ બની જાય ત્યારે ક્યાંક કોઇક પત્નીઓ પતિને સુધારી, સમજાવી એની સાન ઠેકાણે લાવવાનો પોતાનો અબાધિત અધિકાર સમજતી હોય છે. આમાં પતિ મહાશય પણ ‘પત્નીમ્ શરણમ્ ગચ્છામિ’ ભજવામાં જીવનની ધન્યતા સમજતા હોય એવું બને.

OP 12.6.22

છબીલભાઈ ત્રિવેદી

12-06-2022

મધુમતી મહેતા ની ખુબજ સરસ રચના લાગુ પડતુ રાખવુ અને બાકી નુ છેકી નાખવુ ખુબ સાચુ સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: