વિજય રાજ્યગુરુ ~ બંધાણી

બંધાણીની હું  ધણિયાણી ~ વિજય રાજ્યગુરુ  

બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની;

બીડી પીએ, ખાય તમાકુ, દારૂની પણ લગની…

હાડ તોડતા કામ કરે ને ફદિયાં પામે ચાર

          સાંજ પડે ને પીવા માટે માટીડો તૈયાર

ખોંખોંખોંખોં કરે રાત-દી પડ્યાં ફેફસે કાણાં

          ઉકરડી શી વધે દીકરી, કેમ કરીશું આણાં?

ઘરની એને કાંઈ ફકર્ય નૈ, ચોવટ આખા જગની!

બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની!

ઉઘરાણીએ લોક આવતું, નજરું કૂડી નાખે

          ફાટેલી ચોળી જોબનને કેમ કરીને ઢાંકે?

દારૂએ હેવાન બનાવ્યો, ધણી બન્યો છે ભડવો

          ગમે અગર ભુંસાય ચાંદલો, હાથ બને જો અડવો

ભલે જાય માથાનું છત્તર એને અડકે અગનિ!

બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની!

ખેતર વેચ્યું, ગીરો ખોરડું, મારો સોદો કીધો

          ઉપરવાળાથીયે મારો ધણી કદી ના બીધો

સુખના દા’ડા કદી ન દેખ્યા, રડતી રાત્યું દેખી

           ખુલ્લી આંખે મા-બાપે દખના દરિયામાં ફેંકી

હવે ઝેર ઘોળીને ઊંઘું, પીડા શમે ધકધકની!

બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની;   

~ વિજય રાજ્યગુરુ 

કવિ વિજય રાજ્યગુરુના આ ગીતમાં વ્યસનીની પત્નીની પીડા અત્યંત તીવ્રતાથી વ્યક્ત થઈ છે. યોગાનુયોગ આજે ડોકટર્સ ડે.

જૂનાગઢના શ્રેષ્ઠા નાણાવટીએ ખાસ ‘કાવ્યવિશ્વ’ માટે સ્વરાંકન કર્યું છે અને ગાયું છે.

OP 1.7.22

કાવ્ય : વિજય રાજ્યગુરુ  સ્વરાંકન અને સ્વર : શ્રેષ્ઠા નાણાવટી

***

Dipak Valera

04-07-2022

સંવેદનશીલ

Sarla Sutaria

03-07-2022

ખૂબ હ્રદયદ્રાવક રચના.

લલિત ત્રિવેદી

02-07-2022

સચોટ…. વાહ વાહ

Tanu Patel

01-07-2022

ખુબ જ સુંદર હદય દ્રાવક ગીત..

સાજ મેવાડા

01-07-2022

ખૂબ સરસ વેદનાની અભિવ્યક્તી ગીતમાં.

રિયાઝ લાંગડા (મહુવા)

01-07-2022

વાહ… અલગ જાતનું ગીત,ખૂબ સરસ સ્વરાંકન અને પ્રસ્તુતિ👌

કિશોર બારોટ

01-07-2022

સરસ ગીત. 👌

છબીલભાઈ ત્રિવેદી

01-07-2022

વ્યસની વ્યક્તિ ની પત્ની ની પિડા નુ ખુબજ હ્રદય દ્વાવક વર્ણન કવિ દ્નારા કરવામા આવ્યુ છે આવી સ્ત્રીઓ પિડા સહન કરીને પણ પોતાના પરિવાર ને સાંચવે છે તે વંદન કરવા યોગ્ય છે આભાર લતાબેન

વિજય રાજ્યગુરુ

01-07-2022

રાજીપો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: