લાભશંકર ઠાકર ~ કાચબો * દક્ષા વ્યાસ

કાચબો ચાલે છે ~ લાભશંકર ઠાકર

સુકાયેલા સમુદ્રને 

ઊંચકીને 

કાચબો 

ચાલે 

છે 

જળાશયની શોધમાં.

~ લાભશંકર ઠાકર

ચાલવુંએ જ નિયતી – દક્ષા વ્યાસ

લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિતયંતરો સ્પષ્ટ દેખાય. પરંપરાગત અભિવ્યક્તિ, આધુનિક પ્રયોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં એમનું ભરપૂર સર્જનતેજ માણવા મળે. જીવનની તમામ ગતિવિધિઓમાં વ્યાપ્ત અસંગતિથી પ્રવૃત્તિ માત્રની વ્યર્થતાની લાગણીથી એમની કવિતાનું અંતરંગ રંગાયેલું છે. અછાંદસમાં બહુવિધ લયોને રમાડનાર ; ‘માણસની વાત’ ‘પ્રવાહણ’ જેવા સુદીર્ઘ કાવ્યો રચનાર કવિ ઉત્તરોતર સર્જનમાં લાગણીઓની ઉપાસના કરતા દેખાય છે. કવિ લયપ્રદેશ છોડીને ગાડ્યાલયમા વિચરવા લાગે છે. કવિતા લધિમા-અણીમા રૂપે ગદ્યમાં ઉતરતી રહે છે. ‘કાચબો ચાલે છે’ એમની આવી રચના છે. સરળ-વિશદ અને સપાટ અભિવ્યક્તિ અહીં ભાવકને મૂંઝવી મારે છે. એક કલાકૃતિ રૂપે અવગત કરવા એણે એને વારંવાર ઘૂંટવી પડે છે.

અહીં કાચબો આપણને છેક પુરાણકાળમાં લઈ જઈ દશાવતાર સાથે જોડી આપે છે તો સમુદ્ર – વ્યાપક સંસાર, ભવસાગર સાથે. આમ સ્થળ અને કાળના વિશાળ પરિમાણ વચ્ચે આપણે મુકાઈએ છીએ. ‘ચાલવું’ આ સ્થળ કાળ ને ચાલના-ગતિ આપે છે.

કૂર્માવતાર  એટલે વિષ્ણુનો કાચબા રૂપે થયેલો અવતાર. દિતિના બળવાન દાનવ પુત્રો અને અદિતીના ધર્મપ્રેમી દેવપુત્રોએ અમૃતપ્રાપ્તિ માટે ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. મંદાર પર્વતનો રવૈયો બનાવ્યો પરંતુ તે પાતાળમાં સલવાઈ જતાં વિષ્ણુએ કૂર્મના આકારમાં પોતાની જાતને સમુદ્રના તળિયે મૂકી મંદાર પર્વતને આધાર આપ્યો. દેવ દાનવોએ તેને વાસુકિ નાગનું દોરડું વીટી – એ રવૈયા થી સમુદ્રમંથન કર્યું. એમાંથી નીકળેલો અમૃતકુંભ દાનવોના હાથમાં આવી જતા વિષ્ણુએ મોહિનીરૂપ લીધું…ની કથા પ્રચલિત છે. પુરાકથા નો કાચબો વિષ્ણુનો અવતાર છે.

આ કવિતા નો કાચબો અવતાર છે ? મનુષ્ય છે ? કવિ છે ?  અવતારની નિયતિ છે, પુનઃ પુનઃ પ્રગટ થતા રહેવાની – ચાલતા રહેવાની. એનું અવતરણ થાય છે, ઉદ્ધાર માટે. પરંતુ એ ખરેખર ઉદ્ધાર કરી શકે છે ? માનવનિયતી પણ એવી જ છે. સંસાર-સાગરના જળ ખારાં છે. જળ એ જીવન છે પરંતુ જળ સુકાયું છે. ખારાશ રહી છે. મનુષ્યે આ ખારાશભર્યા સંસારસમુદ્રને પીઠ પર લઈ લઈને ચાલતા રહેવાનું છે નિરંતર – મીઠા જળના જળાશયની – સુખ નામના પ્રદેશ ની ખોજમાં.

કહે છે કે તમામ સીમારેખાઓ વટાવીને એક બિંદુએ કવિતા અને તત્વજ્ઞાન-ચિંતન એક થઇ જાય છે. આ અણઘડ સપાટ લાગતી પદાવલી પ્રથમ વાચને કદાચ માત્ર શબ્દો જ આપે છે, જે ક્યાંય લઈ જતા નથી. પરંતુ એમાં ઊંડા ઊતરતાં એ ત્રિપાર્શ્વ કાચની પેઠે અર્થછાયાના અનેક કિરણો વચ્ચે ભાવકને મૂકીને શબ્દની શક્તિ નો સાચો પરિચય આપે છે. વિષ્ણુના મોહિનીરૂપના – અવતારકૃત્યની કથાના અધ્યાસો પછી ચિત્તમાં નિયતિ અને કવિ નિયતિના અધ્યાસો પણ જાગ્યા વિના રહેતા નથી. અતુટ આશાતંતુ માનવકાચબાને ચાલતો રાખે છે. જળાશય – મીઠું જળ તો મળેય ખરું, નયે મળે પણ ક્ષીણ ગતિએ સંસારનો ભાર વેંઢારીને નિરંતર ચાલતા રહેવાની, કર્મ કરતા રહેવાની જીવમાત્રની નિયતિ છે. એ કવિનીય નિયતિ જ. જીવનરસ સુકાયો હોય, ખારાશ જોડાયેલી અને જડાયેલી હોય તોય કાવ્યસંસારનો ભાર ઊંચકીને કવિ ચાલતો રહે છે, સર્જન કરતો રહે છે. એક અનુપમ જળાશયની – કશાક ઉત્તમની ખોજ કરતો રહે છે. એમ કરતાં કદાચ કશુંક નીવડી આવે ! અમૃત અંજલીમાં ઝિલાઈ જાય ! અહીં કાચબો, સુકાયેલું સમુદ્ર, જળાશય ત્રણે શબ્દો પ્રતીકાત્મક ઊંચાઈ પર પહોંચ્યા છે અને અનુપમ કાવ્ય રસનો આસ્વાદ કરાવે છે.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 22.6.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: