ઝવેરચંદ મેઘાણી ~ ધરતીને પટે * ઉદયન ઠક્કર * Jhaverchand Meghani * Udayan Thakkar

ધરતીને પટે ~ ઝવેરચંદ મેઘાણી 

ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાના બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે:

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –

ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરતી, લાખો નાર ગલીગલીએ ફરતી,

સારી રાત ભૂખે મજૂરી કરતી:

‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે-

ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા કાળાં કેદખાનાં કેરા જો સળિયા –

એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?

એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે –

ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં

સિતમે સળગંત ધરા-તલમાં: રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,

ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં પડે ઘોષ ભયંકર યંત્રતણા:

પીએ ઝેરી હવા જે દમેદમમાં, એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?

ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે, ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,

પૂરી રોટી પ્રતિજનને જડશે:

કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,

તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ?

~ ઝવેરચંદ મેઘાણી

મેન ડઝ નોટ લિવ બાય બ્રેડ અલોન – ઉદયન ઠક્કર 

આ ગીતની રચનારીતિ એવી છે કે મેઘાણી દરેક અંતરામાં પહેલાં તો માનવીને સહેવી પડતી કઠણાઈઓ વર્ણવે છે,અને પછી પ્રકૃતિનાં ગાણાં ગાતા કવિને મહેણાં મારે છે.

એક તરફ મૂઠી ધાન વિના બાળકો મરે છે, સ્ત્રીઓ રાત આખી મજૂરી કરે છે, કેદખાનાં જેવા દિવસોમાં પુરાઈને લોકો આક્રંદ કરે છે,મહારોગમાં સપડાય છે, જ્યારે બીજી તરફ કવિ પૃથ્વીનાં,પાણીનાં, સંધ્યાનાં, તારલિયાનાં ગીતડાં ગાય છે. મેઘાણીએ ‘સંવેદનહીન’ કવિ ઉપર કરેલો કટાક્ષ પહેલી નજરે સાચો લાગે છે, પરંતુ આ તર્કમાં ભૂલ છે.

માનવજાતિ આદિકાળથી આવાં દુ:ખો સહેતી આવી છે.છતાંયે માનવે ગુફાચિત્રો નથી દોર્યાં? પથ્થરોમાં શિલ્પો નથી કોર્યાં? સમૂહનૃત્યો નથી કર્યાં? લોકગીતો નથી રચ્યાં? મહાકાવ્યો નથી સર્જ્યાં? ‘મેન ડઝ નોટ લિવ બાય બ્રેડ અલોન.’ સૌને ભોજન મળશે, પછી જ અમે કળાનો આનંદ માણીશું, એમ કહેવું ભૂલભરેલું છે. જેમ શરીરને અન્ન જોઈએ છે તેમ આત્માને કળા જોઈએ છે. બલ્કે, કવિતાથી દુ:ખોમાં ઘટાડો અને સુખોમાં વધારો થાય છે.

જો મેઘાણી એમ સલાહ આપતા હોય કે કવિએ ભૂખ્યાંનાં અને પીડિતોનાં જ ગીતો ગાવાં જોઈએ તો એમાંયે ભૂલ છે.સંસ્કૃત કાવ્યશાસ્ત્રી મમ્મટ કહે છે કે ભાવકને બ્રહ્માનંદ જેવા આનંદની પ્રાપ્તિ કરાવવી તે કવિતાનું પ્રયોજન છે.ઈ.સ.પૂર્વે ૨૯માં વર્જિલે ખેતરની સંભાળ કેમ રાખવી તે સમજાવતું ‘જ્યોર્જિક્સ’ નામે લાંબું કાવ્ય રચ્યું હતું. ત્યાર પછી અન્ય યુરોપીય કવિઓએ શેરડી કેમ ઉગાડવી, ઘેટાંબકરાં કેમ ઉછેરવાં વગેરે સમજૂતી આપતાં કાવ્યો કર્યાં હતાં.શું ઘેટાંઉછેર અને ખેતી કવિતાનો ઉદ્દેશ છે? શું અનાથાશ્રમો અને ઘરડાંઘરો સ્થાપવા કવિતાનો ઉદ્દેશ છે? જર્મન ફિલસૂફ કાન્તે ઈ.સ. 1790માં લખ્યું કે ‘સૌંદર્ય એ જ કળાનો આત્મા છે.ઉપયોગિતા સાથે કળાને કશો સંબંધ નથી.’

કવિતાથી પીડિતોનો ઉદ્ધાર થતો હોય તો સારી વાત છે, પણ એ કવિતાનું અનિવાર્ય અંગ નથી. વેણીભાઈ પુરોહિતની પંક્તિ યાદ આવે છે:

ખજૂરની કવિતા જો કહો તો હું લખી નાખું, મજૂરની કવિતા તો મારાથી લખાય ના!

આ ગીત લગભગ બધે મેઘાણીના મૌલિક કાવ્ય તરીકે રજૂ થાય છે, પણ ‘યુગવંદના’ સંગ્રહમાં તેમણે નોંધ કરી છે તેમ એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના અંગ્રેજી ‘ધ માસ્ક’ પરથી થયેલું અનુસર્જન છે.

~ ઉદયન ઠક્કર

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 9.6.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: