લોકગીત ~ ચાંદલિયો ઊગ્યો * રમણીક અગ્રાવત

લોકગીત

આસો માસો શરદ પૂનમની રાત જો,

ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં…

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો,

સાસુ રે ઓલ્યા જલમની માવડી…

જેઠ મારો અષાઢીલો મેઘ જો,

જેઠાણી ઝબૂકે વાદળ વીજળી…

દેર મારો ચાંપલિયો છોડ જો,

દેરાણી ચાંપલિયા કેરી પાંદડી…

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો,

નણદોઈ મારો વાડી માયલો વાંદરો…

પરણ્યો મારો સગી નણંદનો વીર જો,

તાણીને બાંધે રે નવરંગ પાઘડી…

‘રઢિયાળી રાત’, ૧૯૯૭, સં. ઝવેરચંદ મેઘાણી

કુટુંબજીવનના આકાશનાં નક્ષત્રો ~રમણીકઅગ્રાવત

લોકજીવનમાં પ્રકૃતિનો રાગ બહુ આસક્તિથી ગવાયો છે. લોક અને પ્રકૃતિ અરસપરસમાં રસબસ થયેલાં છે. લોક વાણીમાં અંગત સુખદુઃખને પ્રકૃતિનાં તત્ત્વો સાથે ઓતપ્રોત રાખીને જોવામાં આવે છે. પ્રકૃતિને જાણે ત્યાં સ્પર્શી શકાય છે. પ્રકૃતિ સાવ અડોઅડ રહે છે. આકાશનાં ગ્રહ-નક્ષત્રો તો દૂરની વાત થઈ. કુટુંબજીવનનાં આ ગ્રહ-નક્ષત્રો એકમેકને અડીને ઘૂમતાં હોય છે. એમના પરિઘો જાણે એકમેકમાં ઓસરતા ઓગળતા રહે છે ને અવનવાં પ્રેમવલયોનું સર્જન થયાં જ કરે છે. પ્રેમ હોય ત્યાં ગાનને શોધવા જવું પડતું નથી. એ પ્રેમમાં જ એકાકાર રહીને પોતાની તાન છેડી બેસે છે. પ્રેમની એક નવી રમણામાં કુટુંબજીવન ઘૂંટાય છે. આવી પ્રેમ લક્ષણાથી રણઝણતી કૃતિઓથી આપણું લોકજીવન અભરે ભરેલું છે.

શરદપૂનમની રાતનાં મનભાવન ઠારણ તો કાનગોપીઓનાં રાસમાં પણ ગવાયાં છે. પ્રેમની સુષમામાં ઝબકોળાઈને સઘળું ચાંદનીમય બની રહે છે. લોક વાણીમાં ગાતી નાયિકાને સસરો શરદપૂનમની ચાંદનીમાં ઓલ્યા જનમનો બાપ હોય તેવો ભાસે છે. પરિવારના આ મોભીને કુટુંબજીવનની વાડીમાં મહોરેલા આંબાની ઉપમા પણ મળી છે. બાપ અને સસરાની બેવડી ભૂમિકા ભજવતો કુટુંબનો આ વડો સહુનો વળતો પ્રેમ પામે છે. એ સાસુ-સસરા જાણે ઓલ્યા જનમના માતાપિતા હોય એવાં હેતે વરસે છે. કુટુંબજીવનની વાડી જાણે ડમરાની મહેકથી મઘમઘતી થઈ ઊઠે છે.  કશું પરાયું રહેતું નથી. પ્રેમના સૂત્રમાં જાણે બધું વણાતું રહે છે.

જેઠ તો આષાઢી મેઘ થઈને જ આ કુટુંબ પર વરસી રહ્યો છે. આષાઢનો મેઘ વરસે એટલે પછી સુખની કોઈ મણા જ રહે નહીં ને? ધનધાન્યનાં આશીર્વાદ જાણે વરસે છે. જેઠ આષાઢી મેઘ હોય તો એ મેઘને ઝળાંહળાં કરતી વીજળી જેઠાણી સિવાય અન્ય કોણ હોઈ શકે? લાડકો દિયર તો આ વાડીનો રૂડો ચાંપલિયો છોડ છે. એ અડકતોય જાય અને અદકું વરસતોય જાય. દિયર જો ચાંપલિયો છોડ હોય તો એ છોડનાં આઠે ય અંગને હર્યાભર્યા રાખતી પાંદડીઓ તો રૂપની સરવાણી જેવી દેરાણી જ ઠરે ને? દેર-દેરાણીની હાહાઠીઠીથી આ કુટુંબજીવનની વાડી નિશદિન ચહકતી રહે છે.

નણંદ ભલે પરણીને વસી છે અન્ય પરિવારમાં. પરંતુ એ પણ છે આ વાડીનું જ નમણું ને મઘમઘતું ફૂલ. એ બે પરિવારોને મહેકતા રાખે છે. જાણે એનાં બેય પગ સુખમાં છે. એક પરિવારમાં એ ગરવાઈથી ઓપતી ગૃહિણી છે તો બીજા પરિવારમાં સુખને હકથી ભોગવતી નમણી નાગરવેલ છે. પરંતુ નણંદબાને વેલની ઉપમા આપીને અહોઅહોથી વધાવાય છે તો પરિવારમાં સૌને મજા લેવાનું સુવાંગ સાધન બનતો નણદોઈ એ વેલને કાયમ હચમચાવતો વાંદરો બની બેસે છે! મજાકમસ્તીનું સ્થાન આ નિર્મળ પ્રવાહમાં બહુ અનેરું છે. એ કુટુંબજીવનનું લવણ છે જેનાથી પરિવારમાં આનંદનું પરિમાણ ઉમેરાતું રહે છે.

પરંતુ એ સગી નણંદના વીરનું નામ ઊંઘમાં પણ જીભ પર ન આવી જાય એની ચીવટ આ ગાનને ગાનારી નાયિકા ધરાર રાખે જ છે. ‘એની’ નવરંગ પાઘડી તો એ ઊંઘમાં પણ ઓળખે. પરંતુ એનું નામ એ નહીં બોલે. ‘પરણ્યો મારો’ અહા આ બે શબ્દો બોલીને આ લાજવંતી નારી કેવી તો વરસી પડે છે. એની ઢળેલી બેય આંખો પણ આપણને જાણે દ્રષ્ટિગોચર થાય છે અને હેતના કેસરવરણા રંગમાં ઓપતું એનું શરીર. કુટુંબજીવનની આ વાડીમાં રૂડા ફાલ બેસે ત્યારે ચોદિશેથી આવી જાય પંખીડાંઓ અને ચહચહાટના ઉજાસથી ભરાઈ રહે આખું આકાશ.

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 21.5.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: